(સંવાદદાતા દ્વારા) ભૂજ,તા.૧૧
મહારાષ્ટ્ર એ.ટી.એસ. દ્વારા ગત મહિનામાં ગાંધીધામ ખાતેથી અલારખા મન્સુરી નામના શખ્સની ધરપકડ કરી હતી. તેના મોબાઈલ ફોનને મુંબઈ ખાતે એફ.એસ.એલમાં મોકલવામાં આવ્યો હતો. હવે આ મોબાઈલનો રિપોર્ટ આવી જતા તેના ફોનમાંથી ડીલીટ થયેલા મુન્દ્રા અદાણી બંદરના ફોટા મળ્યા હતા. જેથી મુન્દ્રા અદાણી બંદર આતંકી પ્રવૃત્તિના નિશાન ઉપર હોવાના ભય સાથે સુરક્ષા વધારવામાં આવી છે. પકડાયેલ અલારખા મન્સુરી ફૈઝલ મિર્ઝા નામના પકડાઈ ગયેલા આતંકીના સંપર્કમાં હતો અને સુરક્ષાને લગતી મહત્ત્વની માહિતી પુરી પાડતો હતો. જેથી એ.ટી.એસ. દ્વારા અલારખા મન્સુરીની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીધામ ખાતે અલારખા મન્સુરી છકડો ચલાવતો હતો. જેથી કદાચ માલ-સામાનની હેરાફેરી દરમ્યાન આ શખ્સ કંડલા બંદરે પણ ગયો હોય તેવી શક્યતા છે. જેથી કંડલા બંદર અને મુન્દ્રા બંદરની માહિતી પણ આતંકી પાસે તેમણે મોકલી હોઈ શકે. આ શખ્સ હાલ મહારાષ્ટ્ર પોલીસના કબ્જામાં છે. ત્યારે કચ્છમાં હવે મુન્દ્રા અદાણી બંદરની સુરક્ષા વધુ સઘન બનાવવામાં આવી છે.