(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૫
સુરત એરપોર્ટ ખાતે ખુલ્લા મેદાનમાં આવેલ સુખા ઘાસમાં આગ લાગતા અડધો કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી હતી. એરપોર્ટના ૨ અને મનપાના ૩ ફાયર ફાયટરોની મદદ લઈ બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સુરત એરપોર્ટના મુખ્ય પ્રવેશ દ્વારની જમણી બાજુએ ખુલ્લા મેદાનમાં આવેલ સુખા ઘાસમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતાં જ મજુરા ફાયર સ્ટેશનના ઓફિસર રસીક પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. એરપોર્ટ ઓથોરિટીના બે ફાયર ફાયટર અગાઉથી જ આગ ઓલવવાની કામગીરીમાં જોતરાયા હતા. પરંતુ તેમનાથી પહોંચી ન વળાતા સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ખુલ્લા મેદાનમાં સુખા ઘાસમાં લાગેલી આગ જોત જોતામાં અડધો કિલોમીટર વિસ્તારમાં પ્રસરી હતી. એરપોર્ટ જેવા અતિસંવેદનશીલ વિસ્તારમાં આગની ઘટનાની જાણ થતા જ એરોપર્ટ ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મજુરા અને નવસારી બજાર ફાયર સ્ટેશનના ફાયર ફાયટર અને વોટર બ્રાઉઝર દ્વારા સતત બે કલાક સુધી ભારે જહેમત ઉઠાવી આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. આગથી કોઈ પણ પ્રકારની જાનહાનિ કે નુકસાન ન થયું હતું.