(સંવાદદાતા દ્વારા) અંકલેશ્વર, તા.૨૪
સુરત-અંકલેશ્વર વચ્ચે ડાઉનલાઇનનો ઓવરહેડ વીજવાયર મધ્યરાત્રે તૂટી પડતા ૧૦ ઉપરાંત ટ્રેનો ૧થી ૬ કલાક મોડી પડી હતી. સુરત અંકલેશ્વર વચ્ચે કોસંબા રેલ્વે સ્ટેશન પાસે આજે મધ્યરાત્રે ૩ઃ૧૫ કલાકે ડાઉનલાઇનનો ઓવરહેડ વીજવાયર એકાએક તૂટી પડયો જેના પગલે રેલવે તંત્ર દ્વારા સુરતથી અંકલેશ્વર તરફ આવતી ૧પ ઉપરાંત ટ્રેનોને કીમ, સાયણ, સુરત, નવસારી સ્ટેશન પર રોકી દેવામાં આવી હતી. જેના કારણે આ ટ્રેનો ૧થી ૬ કલાક મોડી પડી હતી. અંકલેશ્વરમાં વહેલી સવારે ૫ઃ૩૦ કલાકે આવતી દહેરાદુન એક્સપ્રેસ ૧૧ઃ૪૫ કલાકે આવી હતી. આ ઉપરાંત અવધ એક્સપ્રેસ, એનાકુલમ ઓખા એક્સપ્રેસના ૬ કલાક મોડી પડી હતી. દહેરાદુન એક્સપ્રેસ તથા ગુજરાત કવીનમાં વડોદરા અમદાવાદ નોકરી વેપાર તથા અભ્યાસ માટે જતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી . બપોર બાદ ટ્રેન વ્યવહાર પૂર્વવત થયો હતો. આ ઘટનાની જાણ રેલવે તંત્રને થતાની સાથે જ વડોદરા ડિવિઝન દ્વારા યુદ્ધના ધોરણે રીપેરીંગની કામગીરી આરંભવામાં આવી હતી. આ ઘટનાને કારણે રેલવે દ્વારા ૧૫ થી વધુ ટ્રેનો અલગ અલગ સ્ટેશને થંભાવી દેતા સવારે નોકરી ધંધે તથા શાળા-કોલેજામાં જતાં કેટલાય મુસાફરો અટવાયા હતા. રેલવેના વડોદરા ડિવીઝનના ઉચ્ચ અધિકારીઓએ દોડતા થઈ ગયા હતા.