(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૬
શહેરના લિંબાયત-ડિંડોલીમાં સાપ્તાહિક ચલાવતા એક યુવકે ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહિતના સાગરિતો સાથે મળી ડિંડોલીના તબીબને ડરાવી ધમકાવી રૂપિયા ૧૦ લાખ પડાવી લઈ વધુ પાંચ લાખ માંગતા હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ ચોપડે નોંધાવા પામી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગોડાદરાના રણછોડનગર ખાતે રહેતાં રવિન્દ્ર ભોલાનાથ પટેલ વ્યવસાયે ગાયનેક તબીબ છે. જેઓ નવાગામ ડિંડોલી સ્થિત ઉમિયાનગર ખાતે હોસ્પિટલ ચલાવે છે. ચાલુ વર્ષના માર્ચ મહિનાની ૨૮મી તારીખે લિંબાયત-ડિંડોલી વિસ્તારમાં સાપ્તાહિક ચલાવતા અનિલ બાગલેએ સ્થાનિક ભાજપના કોર્પોરેટર દક્ષા ચૌધરીના પતિ સુધાકર ચૌધરી તથા અન્ય સાગરિતો યશવંત ધર્મરાજ પાટીલ, ઉમેશ યશવંતભાઈ પાટીલ અને અનિલ મોહિત નામના શખ્સો સાથે મળી બહારથી ક્યાંકથી માનવ ભ્રૃણ હોસ્પિટલમાં લાવી તબીબ વિરેન્દ્ર પટેલ તથા તેના મિત્ર દશરથ પટેલને તમાચા મારી જણાવેલ કે, તમે હોસ્પિટલમાં આવું ગંદુ કામ કરો છો, તેમ કહી માનવ ભ્રૃણ સાથે ઉતારેલ વીડિયો ક્લીપ ચેનલ તથા પેપરમાં બતાવી હોસ્પિટલને બદનામ કરી દેવાની ધમકીઓ આપી રૂપિયા ૨૦ લાખની ખંડણીની માંગ કરી હતી. તબીબે પણ ધમકીથી ગભરાઈ જઈ ટુકડે-ટુકડે પાંચ દિવસમાં રૂપિયા ૧૦ લાખ આ ઠગ ટોળકીને આપ્યા હતા. તેમ છતાં આ ટોળકી વધુ પાંચ લાખની માંગણી કરતી હતી. જેથી તબીબ વિરેન્દ્ર પટેલે ડિંડોલી પોલીસને જાણ કરતા પોલીસે પણ ગતરોજ બળજબરીપૂર્વક રૂપિયા કઢાવવાની પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.