સુરત જિલ્લા શિક્ષણ અધિકારીની વેબસાઈટ હેક : પાકિસ્તાનથી હેક થયાની શક્યતા

અમદાવાદ, તા.૧૯
એક તરફ ડિજિટલ ઈન્ડિયા અને ઈ-ગવર્નન્સની વાતો કરતી ભાજપની સરકારના શાસનમાં સરકારી વિભાગોની જ વેબસાઈટો હેક થવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. પ્રજાને ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની સલાહ આપતી સરકાર પોતે જ તેમની વેબસાઈટોની સુરક્ષા કરી શકતી નથી તો પ્રજાની શું વિસાત?
સરકારી વિભાગોની વેબસાઈટો હેક થવામાં વધુ એક નામ ઉમેરાયું છે. સુરતની ડીઈઓ કચેરીની વેબસાઈટને હેકરોએ હેક કરી તેનો ડેટા ચોરી લીધો હોવાની વિગતો મળી છે. પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની વેબસાઈટ હેક કરવામાં આવી હતી. બુધવારે સવારે જ આ વેબસાઈટ ઓપન કરતા પાકિસ્તાનનો ઝંડો અને પાકિસ્તાન ઝિંદાબાદ લખાયેલું આવ્યું હતું. તેમજ વેબસાઈટમાંથી ડેટા પણ હેક થયાની જાણ થતાં જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ દોડતા થયા હતા. ત્યારબાદ સાઈબર ક્રાઈમના એકસપર્ટને આ અંગે જાણ કરવામાં આવી હતી. હાલના તબક્કે નિષ્ણાતો આ વેબસાઈટ હેક કોણે કરી તે મુદ્દે તપાસ કરી રહ્યા છે તેમજ વેબસાઈટ ઉપર હેકરોએ પોસ્ટ કરેલા પાકિસ્તાન ઝિંદાબાદના સૂત્ર અને પાકિસ્તાનનો ઝંડો નિષ્ણાતોની મદદથી હટાવી લેવાયા છે. મોડી સાંજ સુધી પણ આ વેબસાઈટ શરૂ થઈ શકી ન હતી. સૂત્રોના મુજબ એક વર્ષ અગાઉ પણ સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની વેબસાઈટ હેક થઈ હતી. ત્યારબાદ ફરી આજે વેબસાઈટ હેક થઈ છે. ત્યારે સરકાર ડિજિટલ ઈન્ડિયાની વાતો કરતા પહેલાં પોતાના સરકારી વિભાગોની જ વેબસાઈટોને સાયબર સિક્યુરિટી પૂરી પાડે તે જરૂરી છે. કેમ કે અગાઉ પણ ગુજરાત સરકારના કેટલાક વિભાગોની વેબસાઈટો હેક થઈ હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts