(સંવાદદાતા દ્વારા) સુરત,તા.ર૭
દેશની એકતા અને અખંડિતતા માટે અમૂલ્ય યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલને સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા વૈશ્વિક અંજલિ આપવામાં આવી રહી છે. તે પ્રસંગને યાદગાર બનાવવા માટે સુરત જિલ્લાના ગામે ગામ એકતા રથ યાત્રાને આવકાર મળી રહ્યો છે. સામાજિક ન્યાય અને અધિકારીતામંત્રી ઈશ્વરભાઈ પરમારે મહુવા તાલુકાના ઓડચ ગામેથી એકતા રથ યાત્રામાં જોડાયા હતા.
આ વેળાએ મંત્રી પરમારે સરદારની વિશ્વની સૌથી ઉચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ આપણી અસ્મિતા અને ગૌરવને વૈશ્વિક ફલક ઉપર પ્રસ્તુત કરવા જઈ રહી છે ત્યારે નાત-જાત, ધર્મથી ઊપર ઉઠીને સરદારના એકતા, અખંડિતતા અને માતૃભાવની વિચારધારાને સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા આપણે સૌ સાચા અર્થમાં ચરિતાર્થ કરવા અનુરોધ કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનો એકતાનો સંદેશ ગામે ગામ પહોચે તે માટે એકતા યાત્રા ગામે ગામ ફરી રહી છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રત્યેક ભારતીયના હૃદયમાં રાષ્ટ્રપ્રેમનો જબરજસ્ત જુસ્સો પેદા કરશે અને વિશ્વમાં ભારતની એકતા અને અખંડિતતાનો પરિચય કરાવશે તેમ પણ મંત્રીએ જણાવ્યું હતું. દિવસ દરમિયાન મહુવા તાલુકાના ઓડચ, આમચક, કવિઠા, સેવાસણ, નિહાલી, ધોળીકૂઈ, નરડા, ફુલવાડી, કોદાડા, કાદીયા ગામોમાં પરિભ્રમણ કર્યુ હતું. જ્યાં એકતા યાત્રાને ઉમળકાભેર આવકાર મળ્યો હતો. આ યાત્રામાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ધારાસભ્ય વી.ડી.ઝાલાવડીયા, સંગઠન મહામંત્રી મહેશભાઈ, તા.પચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હોવાનું જાણવા મળે છે.