Site icon Gujarat Today

સુરત જિલ્લામાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવા વહીવટી તંત્ર સજ્જ

સુરત, તા.ર૮
આગામી ૯મી ડિસેમ્બરે સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોની યોજાનાર ચૂંટણી માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે ચૂંટણીમાં આચારસંહિતાના ચુસ્ત અમલ દ્વારા ન્યાયિક, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે ચૂંટણી સંપન્ન કરવાના આશયથી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર મહેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજકીય પક્ષો, જનરલ ઓબ્ઝર્વર, પોલિસ અને ખર્ચ નિરીક્ષકો સાથે બેઠક યોજાઈ હતી.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક રીતે થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર સજજ છે, ત્યારે નિષ્પક્ષ ચૂંટણી યોજવા હરિફ ઉમેદવારો અને રાજકીય પાર્ટીઓનો પણ સહયોગ ખૂબ જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
૧૫૯-સુરત પૂર્વ અને ૧૬૦-સુરત ઉત્તર વિધાનસભા મતક્ષેત્રના ઓબ્ઝર્વર જ્યોતિ કળશએ ગુજરાતની ચૂંટણીને ચેલેન્જ તરીકે સ્વીકારી જિલ્લાની ૧૬ વિધાનસભા બેઠકોના નિર્વાચન અધિકારીઓને સંકલન અને સમન્વયથી એક બીજાના પૂરક અને માર્ગદર્શક બનવા જણાવ્યું હતું. તેમણે ઉમેદવારો તથા રાજકીય પાર્ટીઓએ રાખવાની તકેદારીઓ બાબતે જરૂરી માહિતી આપી હતી. જનરલ ઓબ્ઝર્વર, ખર્ચ ઓબ્ઝર્વર અને પોલીસ ઓબ્ઝર્વર તેમજ રાજકિય પક્ષના ઉમેદવારો અને પ્રતિનિધિઓ સાથે ચૂંટણી અધિકારીઓ પરસ્પર સંકલન અને સહકારથી ચૂંટણી પ્રક્રિયાને ‘ફ્રી એન્ડ ફેર’ માહોલમાં સંપન્ન કરી લોકશાહીની ગરિમા વધારવા ભારપૂર્વક જણાવ્યું હતું.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી.સી. પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટે્‌શન દ્વારા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ, માનવ વસ્તી, સ્ત્રી પુરુષ મતદારો, ૧૬ વિધાનસભામાં સમાવિષ્ટ શહેરી-ગ્રામ્યર મતદાન મથકો, ક્રીટીકલ મતદાન મથકો, જેન્ડ ર રેશિઓ, વિસ્તારરના મતદાન મથકો વગેરે બાબતે તલસ્પિર્શી માહિતી રજૂ કરી હતી.
જોઈન્ટ પોલિસ કમિશ્નર એસ.જી.ભાટીએ સુરત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લામાં પોલિસ ઓબ્ઝર્વરના સહયોગથી પોલીસ વિભાગ દ્વારા થઇ રહેલી કામગીરીની વિગતો રજૂ કરતાં આદર્શ આચારસંહિતા ભંગ બાબતે તકેદારી દાખવવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.

Exit mobile version