સુરત, તા. ૧૩
આજે બપોરે લાલદરવાજા બંદુગરાના નાકે આવેલ કાયસ્થ નિવાસનો ભાગ નમી પડતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. બનાવની જાણ થતાં જ સેન્ટ્રલ ઝોનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ લાલદરવાજા ઉનાપાણી રોડ બંદુગરાના નાકા પાસે આવેલ કાયસ્થ નિવાસ ચાર માળની બિલ્ડિંગ આવેલી છે. આશરે ૪૦ વર્ષ જૂની આ બિલ્ડિંગનો ભાગ નમી પડતા ચકચાર મચી ગઈ હતી. આ બિલ્ડિંગમાં રહેતા કાયસ્થ પરિવારના સભ્યોમાં અફરાતફરી મચી હતી. બનાવની જાણ થતાં જ મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા. કાર્યપાલક ઈજનેર બી.કે.પરમાર દ્વારા નિરીક્ષણ કરીને આ બિલ્ડિંગને જોખમી જાહેર કર્યું હતું. ગમે ત્યારે નમેલી બિલ્ડિંગ તૂટી પડવાની શક્યતા હોવાથી કાયસ્થ બિલ્ડિંગને ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. કાયસ્થ બિલ્ડિંગના માલિક પરેશ જગદીશ કાયસથના જણાવ્યા મુજબ બાજુમાં પાડોશી દ્વારા નવું બાંધકામ શરૂ કરતા તેમની પોતાની ૪૦ વર્ષ જૂની ઈમારતના પાયા નમી જતા વડીલોપાર્જીત સંપત્તિને નુકસાન થયું છે. હાલ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. બિલ્ડિંગને ખાલી કરવામાં આવી રહી છે. ગમે ત્યારે તૂટી પડવાની શક્યતા છે.