સુરત,તા.૧૬
સુરતમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા રિલાયન્સ ફેમિલી ડે અંતર્ગત કંપનીના કર્મચારીઓ માટે તા.૧૭-૧ર-૧૭ રવિવારના રોજ ૬થી ૯ વાગ્યા દરમ્યાન મીની મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે. આ દોડમાં રિલાયન્સ કંપનીના ૧૦૦૦ કર્મચારીઓ ભાગ લેશે. જ્યારે મોટી સંખ્યામાં દર્શકો પણ આ દોડ નિહાળવા એકત્ર થશે. જેથી ૩ કિમીની આ મેરેથોન દોડ માટે રોડની એક તરફનો રૂટ સામેલ છે. જે વીઆઈપી રોડ, ગેલ ટાઉનશીપ નહેર ચાર રસ્તા, એસએમસી ગાર્ડન ત્રણ રસ્તા, એમ્બ્રોઝિયા બિઝનેસ હબથી આગળ, વિજયાલક્ષ્મી (ચાર રસ્તા) સર્કલ સુધી અને ત્યાંથી ટર્ન મારી તે જ રૂટથી ગેઈલ ટાઉનશીપ પરત આવશે.
આ મેરેથોન દોડમાં દોડવીરોને અડચણ ન થાય તેમજ જાહેર જનતાને અવરજવરમાં અડચણ ન થાય તે હેતુથી મેરેથોનના સ્ટાર્ટિંગ પોઈન્ટ વીઆઈપી રોડ, નહેર ચાર રસ્તા ઉપર તમામ પ્રકારના નાના મોટા વાહનોની અવરજવર ઉપર રવિવારે પ-૩૦ વાગ્યાથી ૯-૩૦ વાગ્યા દરમ્યાન અથવા જો મેરેથોન વહેલી પૂર્ણ થાય તો તે સમય સુધી વાહનોના પ્રવેશ, અવરજવર અને પાર્કિંગ ઉપર તેમજ આ રૂટ ઉપર મુખ્ય માર્ગને અડીને આવેલ તમામ ગલી નાકા, ચાર રસ્તા ઉપરથી મુખ્ય માર્ગ ઉપર વાહનોના પ્રવેશ અવરજવર કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વિકલ્પરૂપે આ તારીખ અને સમય દરમ્યાન વિજયાલક્ષ્મી ચાર રસ્તા સર્કલ થઈ ગેઈલ ટાઉનશીપ નહેર ચાર રસ્તા સુધીના એક બાજુના રોડ ઉપર આવતા અને જતા એમ બંને તરફના વાહનો પસાર થઈ શકશે.