(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા અને સીએનો અભ્યાસ કરતા વિદ્યાર્થીની ઘરમાંથી લાશ મળી આવતાં પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી હતી. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા નક્ષત્ર પ્લેટિનિયમમાં અભિનવ કૈલાશચંદ્ર શર્મા(ઉ.વ.૨૮) રહેતો હતો. સીએ અને બીકોમ એમ બન્નેનો સાથે અભ્યાસ કરતો હતો. જોકે સીએ અને બીકોમ પુરૂ ન થવાથી છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં હતો. ગઈ કાલે પિતા સાથે ડોક્ટર પાસે દવા લેવા ગયા હતા. ત્યારબાદ સાંજે પિતા ઓફિસ ગયા હતા. દરમિયાન અભિનવ ઘરમાં મૃત હાલતમાં મળી આવ્યો હોવાનું પરિવારે જણાવ્યું હતું. ત્યારબાદ અભિનવના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અભિનવનું પોસ્ટમોર્ટમ કરનાર મેડિકલ ઓફિસરને પોસ્ટમોર્ટમમાં મૃતદેહ પર ફાંસો ખાધો હોવાના નિશાન ન મળી આવતા અડાજણ પોલીસને જાણ કરવામાં આવી હતી, અને શંકાસ્પદ હોવાના કારણે પેનલ પીએમ કરવાનું સૂચન કર્યું હતું. ત્યારબાદ પોસ્ટમોર્ટમ અર્થે ફોરેન્સિક વિભાગમાં રિફર કરવામાં આવ્યો છે. અડાજણ પોલીસ વધુ કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળે છે.