સુરત,તા.ર
સુરતમાં સરકારી જમીનો પર ગેરકાયદેસર ચાલતા ઝીંગા તળાવ બાબતે કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવા સુરતના કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ રાજયપાલને રજૂઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યું છે કે સુરત શહેર અને જિલ્લાની લાખો હેકટર સરકારી જમીનો પર અસંખ્ય ગેરકાયદેસર ઝીંગા તળાવો વર્ષોથી ભાજપ શાસકોની રહેમ નજર હેઠળ અને વહીવટીતંત્રની ધૃતરાષ્ટ્ર નીતિના કારણે અવિરતપણે ચાલી રહ્યા છે. આ તળાવથી માત્ર જૂજ લોકોને આર્થિક મોટો ફાયદો છે. પરંતુ સરકારી તંત્રને કોઈપણ પ્રકારની આવક નથી અને લાખો હેકટર જમીન સાવ મફતમાં ગેરકાયદેસર રીતે અડીગો અને કબજો કરીને ઝીંગા તળાવનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે. આ બાબતે ઘણા લોકોએ વહીવટી તંત્રને રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્ર આ ગેરકાયદેસર ઝીંગા તળાવોનું દૂષણ ડામવામાં આજદિન સુધી સાવ નિષ્ફળ પુરવાર થયું છે.
એક જાગૃત અરજદાર દ્વારા ઉપરોકત તમામ બાબતોએ મુખ્ય પોલીસ અધિકારી અને નિયામકની કચેરી, લાંચ રૂશ્વત વિરોધી બ્યૂરો, ગુજરાત રાજય, બંગલા નં.૧૭, ડફનાળા, શાહીબાગ અમદાવાદને લેખિતમાં ફેબ્રુઆરી-ર૦૧૭ના રોજ વિગતવાર માહિતી સાથેની અરજી કરેલ. આ અરજી અનુસંધાને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજયના પત્ર ક્રમાંક : પરય/સુરત શહેર/૧૦/ર૦૧૭/ ૧૭ તા.૩૦-પ-ર૦૧૭ના રોજ ડી.પી. ચુડાસમા, મદદનીશ નિયામક, મુ.મ. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજયએ સચિવશ્રી (તપાસ) મહેસુલ વિભાગ, બ્લોક નં.૧૧,૪થો માળ, ગાંધીનગરને તપાસ કરવા જણાવેલ પરંતુ છેલ્લા ૪ મહિનાથી આ તપાસ સાવ ગોકળગાય ગતિએ ‘ફ્રિઝ’ થઈ ગઈ હોય અને આ ગંભીર બાબતે વહીવટીતંત્ર જાણે સાવ અજાણ હોય તેમ કોઈપણ પ્રકારની કડક કાર્યવાહી આજદિન સુધી કરી શકયું નથી. ભ્રષ્ટાચાર મુકત ભારતની વાતો કરનારાઓના શાસનમાં આવું કરોડો રૂપિયાનું મસ્ત મોટું કૌભાંડ છાવરવામાં આવી રહ્યું છે. જે બાબતે આપશ્રી તાકીદે ઝડપી તપાસ કરાવી કસુરવારો સામે કડક કાર્યવાહી થાય તેમજ તેમની પાસેથી દંડનીય આર્થિક વસુલાત થવી જોઈએ એવી મારી ઉપરોકત સંદર્ભે રજૂઆત છે.