
(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
શહેરના ઉત્કલનગર રેલવે ઓવર બ્રિજના લોકાર્પણ માટે ભાજપ શાસકો દ્વારા વિલંબ થઇ રહ્યો હોવાથી કોંગ્રેસ દ્વારા આ બ્રિજના આજે લોકાર્પણની જાહેરાત કરવામાં આવી હતી. જેથી ભાજપ શાસકોએ અગાઉ તા.ર૪મી સપ્ટેમ્બરે બ્રિજના લોકાર્પણની જાહેરાત કર્યા બાદ કોંગ્રેસીઓના ડરના કારણે તેમણે તારીખમાં તાબડતોડ ફેરબદલ કરી, આ બ્રિજનું આજનું આજે લોકાર્પણ કરવાની જાહેરાત કરી હતી. જેથી આ બ્રિજનું એક સાઇડથી ભાજપ અને બીજી સાઇડથી કોંગ્રેસે ઉદ્ઘાટન કર્યું હતું. જેથી હવે પછી શહેરમાં પાલિકા દ્વારા નિર્મિત પ્રકલ્પોના બબ્બે પક્ષો દ્વારા ઉદ્ઘાટનની પ્રણાલી પડી રહી હોવાનું પ્રતિત થાય છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભાજપ દ્વારા મંત્રી નાનુ વાનાણીના હસ્તે રેલવે ઓવર બ્રિજનું ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું હતું. જેમાં આજરોજ બ્રિજના ગજેરા સર્કલ તરફથી નાનુ વાનાણીએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યારે કોંગ્રેસે કરેલી જાહેરાત મુજબ અશ્વિનીકુમાર તરફથી જય સરદાર, જય પાટીદારના નારા સાથે બ્રિજ ખુલ્લો મૂક્યો હતો. જેથી ભાજપ-કોંગ્રેસ આમને-સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપ કોંગ્રેસ આમને-સામને આવી જવાના એંધાણના કારણે પહેલાંથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેથી પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો. જ્યારે કોંગ્રેસે આ બ્રિજનું નામ પ્રમુખ સ્વામી બ્રિજ રાખ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ ૨૧મી સપ્ટેમ્બરના રોજ ઉત્કલનગર રેલવે ઓવરબ્રિજ ખુલ્લો મૂકવાની જાહેરાત સોશિયલ મીડિયામાં કરી હતી. કારણ કે ઉત્કલનગર રેલવે ઓવરબ્રિજ બનીને તૈયાર હોવા છતાં છેલ્લા એક મહિનાથી તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ન હતું. તેના કારણે લોકોને થતી પરેશાની દૂર કરવા ૨૧મી સપ્ટેમ્બરે બ્રિજ ખુલ્લો મૂકવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાજપ શાસકોએ આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે ૨૪મી સપ્ટેમ્બરનો દિવસ નક્કી કર્યો હતો. પરંતુ કોંગ્રેસ બે દિવસ પહેલાં જ બ્રિજ ખુલ્લો મૂકી દે તેમ હોવાની વિગતો જાણવા મળતા છેલ્લી ઘડીએ તારીખમાં ફેરફાર કરીને ૨૧મી સપ્ટેમ્બરના રોજ જ ઉત્કલન નગર રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરવાનું નક્કી કર્યું હતું. ઉત્કલનગર રેલવે ઓવર બ્રિજનું એક સાઇડથી ભાજપ અને બીજી સાઇડથી કોંગ્રેસે ઉદ્ઘાટન કર્યું હોવાનું જાણવા મળે છે. જેમાં બંને આમને- સામને આવી જતા વાતાવરણ તંગ થઇ ગયું હતું. જો કે, પોલીસે આખો મામલો થાળે પાડ્યો હતો.