સુરતમાં વેપારીને ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મીઓએ બે કરોડની ઠગાઈ કરી

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
વેપારીને ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા કર્મચારીઓએ અન્ય વેપારીઓની પેઢીના બેન્ક-એકાઉન્ટ પોતાના દસ્તાવેજો રજૂ કરી ખોલાવી કાપડ બજારમાંથી જુદી જુદી પાર્ટીઓના ચેકો લઇ ઠગાઇ અને વિશ્વાલઘાત કરી નાસી છૂટ્યા હતા. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી ચાર પૈકી એકની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સલાબતપુરા એલ.પી. એપાર્ટમેન્ટમાં મહાવીરના નામથી કાપડનો વેપાર કરતા ચન્દ્રશેખર રાજકુમાર ભિવાનીવાલાએ આરોપી એકાઉન્ટન્ટ પ્રમોદ ઉર્ફે બબલુ ગોપીચંદ ખંડવાલ, રાહુલ ઓમપ્રકાશ સપાતિયા, ગણેશ ચાંદો પંડિત, ગોવિંદકુમાર રમેશ પ્રસાદ સરાવાળી વિરૂદ્ધ ફરિયાદ આપી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની ઓફિસમાં કામ કરતા એકાઉન્ટન્ટ પ્રમોદ ઉર્ફે બબલુ ગોપીચંદ ખંડવાલ, રાહુલ ઓમપ્રકાશ ગણેશ ચાંદો અને મિત્ર ગોવિંદ સાથે મળીને ફરિયાદીના કાપડ વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય વેપારીઓની પેઢીના બોગસ બેન્ક એકાઉન્ટ ખોલાવી પોતાના નામના દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. કનકમણી ફોર્મના નામથી બોગસ એકાઉન્ટ ખોલાવ્યું હોવાનું જાણતા કનકમાણીના અસલ માલિક આયુષ જૈન અને તેના પિતા ફરિયાદીની ઓફિસે આવી તેઓના કર્મચારીઓની કરતુત વિશે જાણ કરી હતી. જેથી ફરિયાદીએ આરોપીઓને બોલાવી પૃચ્છા કરતા યોગ્ય જવાબ આપ્યો ન હતો. ત્યારબાદ ફરિયાદીએ છેલ્લા બે વર્ષનો હિસાબ ચેક કરતા આરોપીઓએ એકબીજા મેળાપીપણામાં અલગઅલગ બેન્કમાં એકાઉન્ટ ખોલાવી ફરિયાદીની એજન્સી મારફતે વેચાણ કરેલ કાપડના માલના ચેકો બારોબાર બોગસ બેન્ક એકાઉન્ટમાં જમા કરાવી રૂપિયા બે કરોડની ઠગાઈ કરી હતી. બનાવ અંગે ફરિયાદ બાદ સલાબતપુરા પોલીસે આરોપી પ્રમોદ ઉર્ફે બબલુની ધરપકડ કરી હતી. વધુ તપાસ પો.સ.ઈ. એસ.આર. નિનામા કરી રહ્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks