સુરત-પાલનપુરમાં ભાજપના વિજય ટંકાર સંમેલનનો પાટીદારો દ્વારા વિરોધ કરાયો

અમદાવાદ-પાલનપુર, તા.ર૪
વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે દરેક પક્ષે ચૂંટણી જીતવા તૈયારીઓ આરંભી દીધી છે જેના ભાગ રૂપે સત્તા પક્ષ ભાજપ દ્વારા રાજ્યભરમાં વિજય ટંકાર સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે સુરત અને પાલનપુર ખાતે ભાજપ દ્વારા યોજવામાં આવેલા સંમેલનમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે પણ પાટીદારોએ હંગામો કરતા ચકચાર મચી જવા પામી છે. આ મામલે સુરતમાં આઠ અને પાલનપુરમાં પાંચ પાટીદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. સુરતના કતાર ગામ વિસ્તારમાં ભાજપ દ્વારા યોજાયેલ વિજય ટંકાર કાર્યક્રમનો પાટીદારો દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. સંમેલન યોજાયું ત્યારે પાટીદારોએ જોર-શોરથી ‘જય સરદાર’ના નારા લગાવ્યા હતા. વિરોધને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી અને ૮ જેટલા પાટીદારોની પોલીસે અટકાયત કરી હતી જ્યારે પાલનપુર વિધાનસભા ક્ષેત્રનું યુવા ભાજપનું વિજય ટંકાર સંમેલન યોજવામાં આવ્યું હતું. પાલનપુર ના આબુ હાઇવે પર ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય મહામંત્રી અભિષેકસિંહના અધ્યક્ષસ્થાને યોજાનાર સંમેલનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તના ખોખલા દાવાનો પર્દાફાશ કરતા પાટીદાર યુવકોએ સંમેલન સ્થળે પહોંચી જઇ વિરોધ જતાવ્યો હતો. પાટીદાર યુવકોએ સભા સ્થળે “જય સરદાર” ના નારા લગાવ્યા હતા. જેના પગલે વાતાવરણમાં ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. પાટીદારોના વિરોધને પગલે પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે પ પાટીદાર યુવકોની અટકાયત કરી માંડ મામલો થાળે પાડ્યો હતો. જો કે, પાલનપુર શહેર યુવા ભાજપ પ્રમુખપદે પાટીદારની વરણી બાદ પણ પાટીદારોના વિરોધને પગલે ભાજપની ઉંઘ હરામ થઈ ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ભાજપ દ્વારા યોજાયેલ નર્મદા મહોત્સવ યાત્રાનો પણ રાજ્યમાં અનેક જગ્યાએ વિરોધ થયો હતો. જ્યારે “વિકાસ ગાંડો થયો છે” ની ટિપ્પણી પણ ભાજપના માથાનો દુખાવો બની છે તે જોતા વિજય ટંકારા સંમેલનનો વિરોધ ભાજપ માટે આ વખતની ચૂંટણીમાં કપરા ચઢાણ તરફ નિર્દેશ કરે છે તેવુ લાગી રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks