(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૧
સુરત મહાનગરપાલિકા દ્વારા રેઈન્બો ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટર રદ કર્યા બાદ આજથી કોન્ટ્રાક્ટરે બસો દોડાવવાની બંધ કરતાની સાથે પાલિકા દ્વારા ઉધના ભગવતી નગર ખાતે આવેલ ડેપો સીલ કરવામાં આવ્યો છે. ૪૨ લાખની વસૂલાત માટે ૪૪ ખખડધજ બસો કબજે લીધી હોવાનું જાણવા મળે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦૧૩માં રેઈન્બો ટ્રાવેલ્સને શહેરમાં બસ ચલાવવા માટે કોન્ટ્રાક્ટર અપાયો હતો. કોન્ટ્રાક્ટરની શરત મુજબ પૂરતી બસો ન દોડાવી કોન્ટ્રાક્ટર શહેરની બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પાલિકાએ જાતે સિટી બસ શરૂ કરવાની ફરજ પડી હતી. રેઈન્બો ટ્રાવેલ્સ દ્વારા કોન્ટ્રાક્ટરની શરતોનું પાલન ન કરતા તેને અવર નવર પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. રેઈન્બો ટ્રાવેલ્સ દ્વારા ખખડધજ બસો દોડાવીને શહેરીજનોની જાન જાખમમાં મૂકી હોવાથી તેનો કોન્ટ્રાક્ટર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે રેઈન્બો ટ્રાવેલ્સ દ્વારા સ્વૈચ્છિક રીતે પોતાની બસો દોડાવવાનું બંધ કરતા પાલિકાએ ઉધના ભગવતીનગર ખાતે આવેલ રેઈન્બો ટ્રાવેલ્સની ૪૪ બસો કબજે લઈ ડેપોને સીલ મારવામાં આવ્યું છે. પાલિકાએ રેઈન્બો ટ્રાવેલ્સ પાસેથી ૪૨ લાખ રૂપિયાની રોયલ્ટી લેવાની બાકી નીકળે છે. જે વસૂલાત માટે રેઈન્બો ટ્રાવેલ્સની સિક્યુરિટી ડિપોઝીટ પણ પાલિકાએ સીઝ કરી દીધી છે.