મીલના મેનેજરના માથામાં સળીયો ફટકાર્યા
(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૨
શહેરના પાંડેસરા વિસ્તારની આકાશ મીલમાં નોકરી કરતો મેનેજર હેડ ઓફિસમાંથી કર્મચારીઓના પગારના રૂા.૧પ લાખ લઇને બાઇક પર અન્ય એક કર્મચારી સાથે જઇ રહ્યો હતો. તે દરમિયાન મરચાની ભૂકી છાંટી લોખંડના સળીયા વડે માથામાં મારી લૂંટી લેવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકે નોંધાવા પામ્યો હોવાનું જાણવા મળે છે.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવાગામ વિસ્તારના દિલ્હીયાનગરમાં રહેતા રવિન્દ્ર અનિરુધ્ધ મિશ્રા પાંડેસરાની આકાશ મીલમાં મેનેજર તરીકે નોકરી કરે છે. જે આજે (ગુરૂવારે) તેમના સહકર્મી મુન્ના રાધેશ્યામ પાંડે સાથે તેમની હેડ ઓફિસ સુમિત વન ડાઇંગ મીલ ખાતેથી કર્મચારીઓને પગાર ચુકવવા માટે રોકડા રૂા. ૧૫,૭૯,૬૪૦ લઇને આવતાં હતાં. આ દરમિયાન પાંડેસરાના બીટેક્સ ઇન્ડિયા અને પ્રતિભા મિલ વચ્ચે બે અજાણ્યા બાઇક ચાલકોએ કર્મચારીઓના ચહેરા પર મરચાની ભૂંકી છાંટી માથામાં સળીયાનો ઘા માર્યો હતો. જેથી રસ્તા પર પડી ગયેલા કર્મચારીઓનો થેલો ઝુંટવી લઇ અજાણ્યા બાઇકચાલકો ફરાર થઇ ગયા હતાં. બીજી તરફ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી ખસેડવામાં આવ્યા હતા. આકાશ મીલના મેનેજર આકાશ દ્વારા પાંડેસરા પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરુ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.