(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૧
સુરત મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા વર્ષોથી શહેરની સફાઇ માટે તદ્દન હંગામી કર્મચારીઓની નિમણૂંક કરાઈ રહ્યી છે.જોકે સરકારના કેટલાક સંબંધિત નિર્ણયો બાદ હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ ઉઠી છે.ત્યારે સુરત મનપામાં ફરજ બજાવતા સેંકડો હંગામી કર્મચારીઓએ આજે મ્યુનિ. કમિશનરને પોતાની નોકરી કાયમી કરી આપવા માટે રજૂઆત કરી હતી.સાથે જ જે કર્મચારીઓને છુટા કરી દેવામાં આવ્યા છે તેમને ફરીથી ફરજ પર લેવા માટે પણ માંગણી કરવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકાના સફાઇ કામદાર યુનિ.ના નેજા હેઠળ આજે હંગામી સફાઇ કામદારોનો મોરચો મુગલસરાઇ ખાતેની પાલિકાની મુખ્ય કચેરી પર લઇ જવામાં આવ્યો હતો. આવેદનપત્ર દ્વારા સફાઇ કામદારોએ એવી રજૂઆત કરી હતી કે તેઓ શહેરની સફાઇના કામમાં વર્ષોથી જોડાયેલા છે. વાવાઝોડા ભારે વરસાદ કે પુર જેવી કુદરતી આપત્તિ હોય કે પછી માનવસર્જિત ભુલ હોય, તેઓ સતત પોતાની નિષ્ઠાથી, પોતાના આોગ્ય અને પરિવારની ચિંતા કર્યા વિના સતત સફાઇ કરતા આવ્યા છે. તેઓ પોતાની કામગીરી ખુબ જ નિષ્ઠાપૂર્વક કરે છે અને તેને પગલે જ સુરત શહેરને સ્વચ્છતાનું બિરુૃદ પણ પ્રાપ્ત થયું છે.જોકે છેલ્લા છ વર્ષતી સતત રજૂઆતો બાદ પણ હંગામી રોજીંદા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા નથી. આ છ વર્ષ દરમિયાન તેમણે દરેક કક્ષાએ લેખિત તેમજ મૌખિક અનેક રજૂઆતો કરી છે. જોકે તેનો કોઇ પ્રતિસાદ મળ્યો નથી. મોદી સરકારે તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના નિર્દેશ મુજબ હંગામી કર્મચારીઓને કાયમી કરવા સુચન કર્યા છે. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકાએ તાજેતરમાં જ ૬૨૦૦ જેટલા રોજીંદા કર્મચારીઓને કાયમી કરી દીધા છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા પણ વર્ષોથી રોજીંદા કર્મચારી તરીકે જોડાયેલા સફાઇ કામદારોને કાયમી કરવામાં આવે તેવી માંગ તેમણે કમિશનર સમક્ષ કરી છે.
આ ઉપરાંત યુનિયન દ્વારા એવી માંગણી પણ કરવામાં આવી છે કે ઘણા સમયથી પાલિકા દ્વારા કેટલાક રોજીંદા કર્મચારીઓને નોકરી પરથી છુટા કરી દેવામાં આવ્યા છે, તેમને ફરીથી નોકરી પર પરત લેવામાં આવે. સફાઇ કામદારોએ ખાસ તો જણાવ્યું હતું કે વર્ષોથી પાલિકામાં ફરજ બજાવી છે, અને ઘણા કર્મચારીઓની વય ૪૦ કરતા વધુ થઇ ગઇ છે.ત્યારે આવા સમયે સફાઇ કામદારોને અન્ય નોકરી પણ મળે તેમ ન હોવાથી તેમની, તેમના પરિવારની અને સામાજિક સુરક્ષા માટે વર્ષોથી ફરજ બજાવતા તમામ રોજીંદા સફાઇ કામદારોને કાયમી નોકરી આપવામાં આવે.