(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
દેશમાં જીએસટી અમલી બન્યા બાદ સુરત સહિત ગુજરાતભરમાં ધંધાકીય નવરાત્રિ આયોજનો ઉપર સરકારે ખાનગી રાહે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે આવા ધંધાકીય આયોજનો ઉપર ૧૮ ટકા જીએસટી લાગુ પડે છે. સુરત સહિત ગુજરાતભરમાં ધંધાકીય નવરાત્રિ આયોજનોમાં કરોડો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે.
જીએસટી લાગુ પડયા બાદ વેપારીઓની કનડગત શરૂ કરવામાં આવી છે જીએસટી પોર્ટલની સમસ્યાને કારણે વેપારીઓ પાસે ટેક્ષ કરતાં વધુ દંડ વસૂલવામાં આવી રહ્યાં છે, જયારે સુરત સહિત ગુજરાતભરમાં ધંધાકીય નવરાત્રિનું આયોજન કરી લાખ્ખો રૂપિયાની જીએસટી ચોરી કરનારાની સામે કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. સુરત શહેરમાં પણ ઠેર-ઠેર પાર્ટી પ્લોટો સહિત હોલમાં કોમર્શિય નવરાત્રિ મહોત્સવ ઊજવાઈ રહ્યાં છે કેટલાંક આયોજકોએ તો જીએસટી નંબર લીધા વગર જ લાખ્ખો રૂપિયાનો ધંધો કરી નાખ્યો છે. રૂપિયા ૧૦૦૦થી ૨૦૦૦ની કિંમતના પાસ વેચીને રોકડી કરવામાં આવી રહી છે. કોમર્શિયલ નવરાત્રિ ઉત્સવના આયોજન સ્થળે સ્ટોલ ભાડે આપીને લાખ્ખો રૂપિયા લેવામાં આવ્યા છે ત્યારે સુરત સહિત ગુજરાતભરમાં આવા કોમર્શિયલ નવરાત્રિ આયોજનો ઉપર ગુજરાતના જીએસટી (વેટ)ના અધિકારીઓને તપાસ કરવા માટે કેન્દ્રે સુચના આપતા સુરત ખાતે વેટ વિભાગે ખાનગી રાહે તપાસ શરૂ કરી દીધી છે એમ કહેવાય છે કે, જ્યાં જ્યાં કોમર્શિયલ નવરાત્રિ મહોત્સવનું આયોજનો થયાં છે, ત્યાં ત્યાં વેટ વિભાગની ટીમો ફરી રહી છે અને વીડિયો રેકોર્ડિંગ દ્વારા ખર્ચ અને આવકના હિસાબો માંડી રહી છે. આવતાં મહિને આ આયોજકો દ્વારા જીએસટી ભરવામાં નહીં આવશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી સરકારે હાથ ધરી છે.