સુરત શહેરમાં ઘરેલું કામકાજ કરતી મહિલાઓની સ્થિતિ દયાજનક : ૪૯ % સ્ત્રીઓ પ્રસૂતિના ૯માં મહિના સુધી કામ કરે છે !

(જયેશ રાણા દ્વારા) સુરત, તા.૨૭
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો.એસ.શ્રી નિવાસા રાવ તથા ડો.કિર્તિ એસ.ઝંખારીયાના માર્ગદર્શન હેઠળ વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સુરત મહાનગરપાલિકાના સાત ઝોનના વિવિઘ વિસ્તારોની કુલ ૧૨૫ જેટલી સ્ત્રીઓ વિષે માહિતી મેળવી હતી. જેઓ લોકોના ઘરોમાં જઇ વાસણ-પાણીથી માંડી વિવિધ પ્રકારના કામો કરે છે.આ સર્વે દ્વારા સુરતમાં અસંગઠિત ઘરેલું કામકાજ કરતી મહિલાઓની સામાજિક, આર્થિક અને કાયદાકિય સ્થિતિ વિશે માહિતી એકત્રિત કરવાનો પ્રયાસ કરાયો છે.
ડો.એસ.શ્રીનિવાસા રાવના જણાવ્યા મુજબ દુનિયાના જુદા-જુદા દેશોમાં કામદારો અને સ્ત્રીઓ સંબંધિત અલગ-અલગ કાયદાઓ અસ્તિત્વ ધરાવે છે.પરંતુ લોકોના ઘરોમાં જઇ કામ કરતી અસંગઠિત મહિલા કામદારોના સંબંધમાં કોઇ જ ચોક્કસ કાયદાઓ અસ્તિત્વ ધરાવતા નથી. વિશ્વના મુસ્લિમ દેશોમાં લોકોના ઘરોમાં જઇ વાસણ-પાણી, સાફસફાઇ, કપડા ધોવાનું કે પછી બાળકો અને વૃધ્ધોની સારસંભાળ લેવાનું કામ કરતી મહિલાઓની સ્થિતિ અત્યંત દયાજનક છે. આ બાબતમાં પૂર્વ યુરોપના દેશોમાં ગૃહકામ કરતી મહિલાઓની સ્થિતિ ખૂબ જ સારી છે.અહિંના મજુર કાયદાઓમાં આવી સ્ત્રીને પૂરેપૂરું રક્ષણ આપવામાં આવી રહ્યું છે. જ્યારે વિશ્વના અન્ય દેશોના કાયદાઓમાં આવી સ્ત્રીઓને કોઇ જ ચોક્કસ રક્ષણ આપવામાં આવ્યું નથી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં જે સર્વે કરવામાં આવ્યો હતો.તેમાં ગુજરાતની અને જુદા-જુદા રાજ્યોમાંથી આવીને સુરતમાં વસેલી મહિલાઓને સ્પર્શતા જાતિ, લગ્ન સ્ટેટશ, આર્થિક સ્થિતિ, તેમના રહેઠાંણ, પરિવારની માસિક આવક, કામના પ્રકારો, જેવા વિષયનો આવરી લેવામાં આવ્યા હતા. ઉપરાંત આવી મહિલાઓ પૈકી કેટલી રેશનકાર્ડ, બેંકમાં ખાતું, આધારકાર્ડ ધરાવે છે ? કેટલીને પગાર ખર્ચવાની આઝાદી છે ? કેટલી મહિલાોને બહારથી કામ કરીને આવી ઘરમાં પણ કામ કરવું પડે છે ? જેવી માહિતી પણ મેળવવામાં આવી હતી. જેમાં ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવવા પામી છે.
આ સર્વેમાં પરિણીત ૯૨, કુંવારી ૨, છુટાછેડા લેનાર ૮, તથા વિધવા ૨૩ મહિલાઓનોને આવરી લેવાય છે. આ પૈકી ૫૪.૮ ટકા સ્ત્રીઓના લગ્ન ૧૮ વર્ષથી ઓછી ઉંમરે થયા હતા.૩૧ ટકા સ્ત્રીઓને પ્રથમ બાળક ૧૮ વર્ષથી ઓછી ઉંમરે આવતર્યું હતું.૧૯.૨ ટકા સ્ત્રીઓએ ઘરોમાં સંતાનોને જન્મ આપ્યો હતો. ૪૮.૮ ટકા સ્ત્રી ફેમિલી પ્લાનિંગની વિવિધ રીતો અપનાવતી હતી. જ્યારે ૨૪.૮થી ૪૯ ટકા જેટલી સ્ત્રીઓ પ્રેગનન્સીના નવમાં મહિના સુધી કામ કરતી હોવાની વિગતો જાણવા મળી હતી.
૧૨૫ સ્ત્રીઓ પૈકી ૮૨ પોતાના ઘરોમાં, ૩૪ ભાડાના ઘરમાં તથા ૯ મહિલાઓ બીજાના ઘરોમાં રહેતી હતી.આ મહિલાઓની માસિક લઘુત્તમ આવક રૂા.૩૦૦ અને મહત્તમ આવક રૂા.૧૪૦૦૦ હોવાનું જાણવા મળ્યું હતું.આ મહિલાઓના પરિવારની લઘુત્તમ માસિક આવક રૂા.૫૦૦થી માંડી રૂા.૬૦૦૦૦ સુધી થવા જાય છે.
લોકોના ઘરે કામ કરતી સ્ત્રીઓની જાતિ આધારિત માહિતી મેળવવામાં આવી હતી.જેમાં જાણવા મળ્યું હતું કે,૧રપ સ્ત્રીઓમાંથી એસ.સી.ની ૧૩, એસ.ટી.ની ૩ર, ઓ.બી.સી.ની ર૩ અને ઉજળીયાત કોમની પ૭ જેટલી મહિલાઓ આ પ્રકારના કામો સાથે સંકળાયેલી હતી.
આવી મહિલાઓના પરિવારના ખર્ચ વિશેની જ્યારે માહિતી મેળવવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે,તેઓના પરિવારનેા માસિક ખર્ચ રૂા.પ૦૦ થી માંડી રૂા.૩૦,૦૦૦ સુધી હોય છે. જ્યારે સરેરાશ આવક ધરાવતા પરિવારનો માસિક ખર્ચ રૂા.૮૩૮૩ સુધી હોય છે. જેમાં તેમના ફુડ (ખોરાક), કપડા, દવા, શિક્ષણ, સામાજિક પ્રસંગો અને મનોરંજન જેવી બાબતો પાછલ થતા ખર્ચનો સમાવેશ થાય છે.
આ મહિલાઓના કામના પ્રકારની જ્યારે ચકાસણી કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે,૧૧૯ સ્ત્રી લોકોના ઘરોમાં બાળકો અને વૃધ્ધોને સાચવવાનું કામ કરતી હતી,સાથે જ ૧૦૭ મહિલાઓ લોકોના ઘરે રસોઇનું પણ કામ કરતી હતી. ર૧ જેટલી મહિલાઓ (સ્ત્રીઓ) વાસણ – પાણી કરવાનું કામ કરતી હતી. ૧૮ સ્ત્રીઓ સાફ-સફાઇનું કામ કરતી હતી. ર૮ સ્ત્રીઓ કપડા ધોવાનું કામ કરતી હતી. ઉપરાંત આ સ્ત્રીઓ પૈકી મોટા ભાગની સ્ત્રીઓ એક કે એકથી વધારે જગ્યાએ કામ કરતી હતી.
૩૬ ટકા જેટલી સ્ત્રીઓ એક થી ચાર કલાક, પર ટકા જેટલી સ્ત્રીઓ પાંચ થી આઠ કલાક, ૮ ટકા સ્ત્રીઓ ૯ થી ૧૦ કલાક કામો કરતી હતી.
સ્ત્રીઓ લઘુત્તમ રૂા.પ૦૦ થી લઇને રૂા.ર૦૦ સુધી તથા મહત્તમ એવરેજ રૂા.ર૧૦૦થી રૂા.૧૦૦૦ તથા દરેક કામદિઠ માસિક રૂા.૧૩પ૦ થી લઇને રૂા.૪૫૮ સુધીની આવક અલગ અલગ કામો કરી મેળવતી હતી.
લોકોના ઘરે કામ કરવા જતી સ્ત્રીઓને બાળકો અને ઘરડાઓને સારસંભાળ રાખવાની ઓછામાં ઓછા રૂા.પ૦૦, રસોઇના રૂા.પ૦૦, સાફસફાઇના રૂા.૧૦૦, વાસણ પાણીના રૂા.૧૦૦, અને કપડા ધોવાના રૂા.ર૦૦ મળતાં હોય છે. જ્યારે આ સ્ત્રીઓને માસિક બાળકો અને વૃધ્ધોની સારસંભાળ રાખવાના રૂા.૧૩પ૦, રસોઇના રૂા.ર૦૭૮, સાફસફાઇના રૂા.૪૪૮, વાસણ પાણીના રૂા.૪૩૮ તથા કપડા ધોવાના રા.૪૫૮ મળતા હોવાનું જણાવાયું છે.
ઘરેલું કામકાજ કરતી સ્ત્રીઓ પૈકી ૫૭.૬ ટકા સ્ત્રીઓ રાશનકાર્ડ ધરાવતી હતી.૫૯.૨ ટકા સ્ત્રીઓ બેંક એકાન્ટ ધરાવતી હતી.૬૪.૮ ટકા સ્ત્રીઓ આધારકાર્ડ ધરાતી હતી. ૮૪.૮ ટકા સ્ત્રીઓને પોતાનો પગાર વાપરવાની સ્વતંત્રતા છે. ૩૯ ટકા જેટલી સ્ત્રીઓ પોતાનું પગાર પોતાના પતિના હાથમાં આપે છે. ૭૬.૮ ટકા સ્ત્રીઓ બહાર કામકામજ કરીને પણ ઘરમાં કામ કરે છે. આ સર્વે પરથી એકવાત સ્પષ્ટ થાય છે કે સુરત જેવા શહેરમાં ઘરેલું કામકાજ કરતી સ્ત્રીઓની સ્થિતિ કેવી દયા જનક છે. ઉપરાંત આ પ્રકારના કામો કરતી સ્ત્રીઓની કોઇ સંગઠન કાયદેસર રીતે અસ્તિત્વ ધરાવતું નથી. તથા તેમને માટે કોઇ નક્કર કાયદા ક્રમાંક પણ અસ્તિત્વ ધરાવતા નથી. જે બાબત ખુબજ ચિંતાજનક લેખાવી શકાય તેમ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks