સુરત શહેરની ૬૦ લાખની વસ્તીમાં ફક્ત એક જ ચીફ સેફ્ટી ઓફિસર અને ૧૦ ફૂડ સેફ્ટી ઓફિસર!!!

(તાહિર અનસારી દ્વારા) સુરત,તા.૫
ગુજરાતના આર્થિક પાટનગર અને મેટ્રોસિટી તરીકે જેની ગણના થાય છે તેવા સુરત શહેરમાં ૨૦થી ૨૫ હજાર જેટલી ખાણી-પીણીની દુકાનો ઉપર ખાવાના શોખીન સુરતીઓ નિયમિત વિવિધ પ્રકારની વાગનીઓ આરોગતા રહે છે.ત્યારે હાલમાં ફેલાય રહેલી સ્વાઇન ફ્લૂ જેવી બીમારીઓના માહોલ વચ્ચે પણ અત્યંત આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે શહેરની ૬૦ લાખથી વધુની વસ્તી અને કરોડો રુપિયાનું બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પાસે લોકોના આરોગ્યનું ધ્યાન રાખવા માટે ફક્ત ૧ ચીફ ફૂડ સેફ્ટી ઓફિસર અને ૧૦ એફ.એસ.ઓ. (ફૂડ સેફટી ઓફિસર) જ છે.
કુલ ૧૧ ફૂટ ઇન્સપેક્ટરોના ભરોસે સુરત મનપાનું સે શહેરનું આખેઆખે આરોગ્ય વિભાગ છે તેમ કહીએ તો નવાઇ નહીં.
શહેરમાં ખાણી – પીણીની લગતી કોઇપણ કામગીરી કરવા માટે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગનું રજીસ્ટ્રેશન અને લાઇસન્સ લેવું ફરજીયાત છે. પાછલા છ વર્ષમાં સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં ર૪,૪૧ર જેટલા રજીસ્ટ્રેશનો થયા છે,પરંતુ ૪૦૩૪ લાઇસન્સ જ ફૂડ વિભાગે ઇશ્યું કર્યા હોવાનું જાણવા મળે છે.
જ્યારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે છેલ્લા પાંચ વર્ષમાં ખાદ્ય સામગ્રીના લીધેલા ૬૪૨૪ નમૂનામાંથી માત્ર ૩૭૬ નમૂના નાપાસ જાહેર થયા હતા.આ સંદર્ભે કોર્ટમાં થયેલા કેસોમાં પાંચ વર્ષમાં કોર્ટે ૧૧૧ ચુકાદા આપ્યા હોવાનું જાણવા મળે છે. જેમાં પ૪ કેસોમાં સજા – દંડ કરવામાં આવી છે. જ્યારે પ૧ કેસોમાં નિર્દોષ છોડવામાં આવ્યાં છે.
સુરત મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ શોભાના ગાંઠીયા રૂપ બની ગયું છે. વર્ષ દરમિયાન ખાદ્ય સામગ્રીના થોકબંધ નમૂના લેવામાં આવે છે. પરંતુ લેબોરેટરીનો રીપોર્ટ આવતા સુધીમાં નમૂના પાસ થઇ જાય છે. સુરતમાં ખાદ્ય સામગ્રીનું સ્ટાર્ન્ડડ જળવાતું નથી. જેનો છડેચોક ભંગ થાય છે. કહેવાતી પ્રતિષ્ઠિત હોટલો પણ ખાદ્ય સામગ્રીનું સ્ટાર્ન્ડડ જાળવતી નથી. તૈયાર પેકેજમાં પણ ભેળસેળ થતી હોય છે, ત્યારે સુરતનું લારી ફૂટપાથ કલ્ચરની તો વાત શું કરવી ?
સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગમાં વર્ષ ર૦૧ર થી ર૦૧૬ સુધી ફૂડ વિભાગે ૬૪૨૪ નમૂનાઓ લીધા હતા. આ પૈકી ૩૭૬ જેટલા નમૂના નાપાસ થયા હતા.જેમાં ૧૬૯ સબસ્ટાર્ન્ડર્ડ, ૧૮૩ મીસ બ્રાન્ડ, અને ર૪ અનસેફ આવ્યા હોવાનું જાણવા મળે છે. આ પૈકી મોટા ભાગના સેમ્પલ માવા, મીઠાઇ, દૂધ અને દૂધની બનાવટો,ખાદ્યતેલના છે.જો કોઇ ખાદ્ય તેલ કે ખાણી – પીણીની લારી કે હોટલ ઉપરથી જે સેમ્પલ લેવામાં આવે,તેને ફૂડ ઇન્સપેક્ટરો દ્વારા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવતા હોય છે. ૧૦૦ પી.પી.એમ. થી ઉપર રિપોર્ટ આવે તો તે અનસેફ ગણાય,ત્યાર પછી તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ફૂડના કેસ એડિશનલ સિવિલ જજ, જ્યુકેટીંગ ઓફિસર અને નિવાસી અધિક કલેક્ટરમાં દાખલ કરવામાં આવતા હોય છે.
સુરત શહેરની સાંઠ લાખથી વધુની વસ્તીમાં રપ હજાર કરતા વધારે ખાણી – પીણીની લારી, રેસ્ટોરન્ટ અને સંસ્થાઓ કોઇ પણ પ્રકારના લાઇસન્સ વગર ચાલતી હોવાનો અંદાજ છે. ફૂટ વિભાગના રેકોર્ડ ઉપર ૨૨,૪૧૨ એકમો – સંસ્થાઓનું રજીસ્ટ્રેશન છે. જે પૈકી ૪૦૩૪ જેટલી જ સંસ્થા – એકમો પાસે ફૂડનું લાઇસન્સ હોવાનું જાણવા મળે છે. ફૂડ વિભાગ દ્વારા કેટલીક સંસ્થા – એકમોને નોટિસ આપી ફૂડ વિભાગના નીતિ નિયમોનું પાલન કરવા તાકીદ કરી છે, નવાઇની વાત એ છે કે ફૂડ વિભાગ દ્વારા લેવામાં આવેલ સેમ્પલના ટેસ્ટીંગ માટે જ્યારે પાલિકાની લેબોરેટરીમાં જાય છે ત્યારે તેના રિપોર્ટ આવતા ખૂબ જ સમય નિકળી જાય છે.
ગત તા.૪-૮-૨૦૧૧ થી ફૂડનો નવો કાયદો અમલમાં આવ્યો ત્યારથી આજદિન સુધીમાં ફૂટ વિભાગે કુલ રૂા.રપ.ર૮ લાખ જેટલી માતબર રકમનો દંડ વસુલ્યો હોવાનું જાણવા મળે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks