(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સમગ્ર રાજ્યભરમાં એસટી કર્મચારીઓ સાતમા પગાર પંચનો અમલ સહિત વિવિધ પડતર માંગણીઓને સાથે અનિશ્ચિત હડતાળ પર ઉતર્યા હોવાનું આજે બીજો દિવસ છે. સુરત એસ.ટી. ડેપો ખાતે કર્મચારીઓ દ્વારા અર્ધનગ્ન થઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો મુખ્ય મંત્રી અને ઉપમુખ્યમંત્રીની હાય-હાય બોલાવી પરિવારના સભ્યો સાથે વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. એવું સંકલન સમિતિના સતુભા, સુરતના કૌશલ દેસાઈ અને રસીદ શેખે જણાવ્યું હતું.
સુરત એસટી ડેપોના ૨૭૦૦ જેટલા કર્મચારીઓ આજે બીજા દિવસે પણ માસ સીએલ પર ઉતર્યા છે. સુરત એસટી વિભાગમાં આવતા ૬ ડેપોના કર્મચારીઓએ આજે સુરત ડેપો ખાતે ભેગા થયા હતા. કર્મચારીઓ દ્વારા અર્ધનગ્ન થઈ તથા કેટલાક કર્મચારીઓ દ્વારા મુંડન કરાવીને અનોખો વિરોધ પ્રદર્શન દર્શાવ્યો હતો. સુરત મુખ્ય બસ ડેપો ખાતે જમા થયેલ હડતાળી કર્મચારીઓ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલની હાય હાયના નારાઓ લગાવી વિરોધ વ્યકત કર્યો હતો. એસ.ટી. યુનિયન આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું કે સુરત એસ.ટી. વિભાગના ૩૫૦૦ રૂટ બંધ પડી ગયા છે. રાજ્ય વ્યાપી હડતાળનો આજે બીજા દિવસ છે એ સરકાર અમારી માંગો નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં આંદોલન જલદ બનાવીને એસટી કર્મચારીઓ પરિવારોના સભ્યો સાથે વિધાનસભાનો ઘેરાવો કરશે. સમગ્ર રાજ્યમાં બે દિવસથી એસટીના પૈડાં થંભી જતા સામાન્ય મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. એસટી કર્મચારીઓમાં ભારે રોષ જાવા મળ્યો હતો. તમામ કર્મચારીઓ એક જૂથ થઈને સરકાર સામે લડી લેવાના મૂડમાં સમગ્ર રાજ્યના કર્મચારીઓ પરિવારો સાથે વિધાનસભાનો ઘેરાવો કરવાની યોજના બનાવી રહ્યાં હોવાનું જાણવા મળે છે.