(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૨૦
સુરત શહેરના અઠવાલાઇન્સ સ્થિત ધી સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના પૂર્વ હોદ્દેદારો અને અન્યો દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં ચકચારીત કેસમાં આરોપીઓએ યતીમખાના સોસાયટીને થયેલા નાણાંકીય નુકશાનની રકમ ભરપાઇ કરવા તૈયારી બતાવતાં હાઇકોર્ટે કડક શરતો સાથે ઇસમોના આગોતરા જામીન મંજૂર કર્યા હતા.
હાઇકોર્ટમાં કરેલી પિટિશનોની સુનાવણી દરમિયાન બાલુ પરસોત્તમ પટેલે સુરત ઇસ્લામ યતીમખાના ટ્રસ્ટમાં રૂા.૪.પ૦ કરોડ અન્ય ઇસમોના સથવારામાં જમા કરાવવા તૈયારી બતાવતાં ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ યોગ્ય પ્રસ્તાવ મુકવા જણાવ્યું હતું. બાલુ પરષોત્તમે રૂા.૪.૦પ કરોડ ચાર મહિનાના સમયગાળામાં જમા કરાવવાની રકમ પૈકી રૂા.એક કરોડ હુકમના પહેલા દિવસે, બાકીના પ૦-પ૦ લાખ ૧૮ અને ૨૦-૭-૨૦૧૭ અને બાકી રહેતા ર.પ૦ કરોડ તા.૧૫-૧૧-૨૦૧૭ સુધીમાં જમા કરાવવાના રહેશે તેવું જાણવા મળે છે.
દરમિયાન જો કોઇ સંજોગોમાં ચેક રિટર્ન થાય અથવા પૈસા ભરવામાં નિષ્ફળ જાય તો સમગ્ર સેટલમેન્ટ રદ થશે અને આ ઇસમોને મળેલા આગોતરા જામીન પણ રદ્ થશે. હાઇકોર્ટે આ ઉપરાંત પણ રપ૦૦૦ના બોન્ડ આપવા ઉપરાંત કેટલીક શરતો લાદી હતી. આ શરતો અનુસાર તેઓ ભારત છોડી શકશે નહીં. પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાના રહેશે. તેમજ આ લોકોએ તપાસ એજન્સીને સહકાર આપવાનો રહેશે. રહેઠાણ બદલી શખશે નહીં તેમજ પોલીસ સ્ટેશનમાં નિયત સમયે હાજરી પુરાવવાની રહેશે. હાઇકોર્ટમાં મૂળ ફરિયાદીઓ તરફે વકીલ અને ભારતના ભૂતપૂર્વ સોલિસિટર જનરલ આઇ.એચ.સૈયદ અને એડવોકેટ હાર્દિક દવેએ દલિલ કરી હતી. વર્ષો યતીમખાનાના સંચાલકોએ અનાથ બાળકો અને સમાજના વિશાળ હિતને ધ્યાનમાં રાખી આ પ્રસ્તાવ માટે સંમત્તિ આપી હતી.વર્ષો જુની પ્રતિષ્ઠિત સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટીના ભૂતપૂર્વ હોદ્દેદારો પ્રમુખ ઉમર જનરલ, મંત્રી અનીશ હકીમ, ઉપપ્રમુખ સૈયદ અહેમદ બગદાદી, માજી જોઇન્ટ સેક્રેટરીઓ મુશ્તાક અહેમદ ગોલંદાઝ અને નુર અહેમદ પટેલ તેમજ તેમના અન્ય મળતિયાઓએ ટ્રસ્ટની જમીનનો બારોબાર સદો કરી તેમજ લાજપોર અને કપલેથા ખાતે ૧૦૦ વીઘી જમીન ખરીદવાનું સ્વપ્ન બતાવી સંસ્થાના નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરવાના કૌભાંડોનો ચાર વર્ષ અગાઉ પર્દાફાશ થયો હતો. લાજપોરની જમીનના મૂળ માલિકો સાથે છેતરપિંડી કરી બોગસ વેચાણ દસ્તાવેજો બનાવી દીધા હતા. સોસાયટીના સભ્ય કાસીમ યુસુફ ભામે યતીમખાના સોસાયટીના નામે થયેલા કારસા અંગે રપ ઓક્ટોબર ૨૦૧૩ના રોજ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ચાર જુદી-જુદી એફઆઇઆર નોંધાવી હતી.
દરમિયાન યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની કણપીઠ શાખામાં બિનહિસાબી ખાતા ખોલાવી જમીન ખરીદીથી માંડી બોગસ રસીદો બનાવી રૂા.છ કરોડ જેટલી રકમ જમા કરાવ્યા બાદ આ રકમ તે સમયના હોદ્દેદારાએ અંગત ઉપયોગમાં લીધી હોવાનું જણાઇ આવતા નવા મેનેજમેન્ટના જોઇન્ટ સેક્રેટરી અને મોહમદ નવેદ શેખ દ્વારા પણ તેમની સામે પોલીસ ફરિયાદ માટે અરજીઓ આપવામાં આવી હતી. આ અંગે કોઇ કાર્યવાહી ન થતાં હાઇકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી.