સુરત શહેર-જિલ્લાની ૧૬ પૈકી ૧પ બેઠકો પર ભગવો લહેરાતાં પાસ-કોંગ્રેસ માટે આંચકો

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
રાજ્યમાં ખૂબ જ ચર્ચાનો વિષય બનેલા પાટીદાર અનામત આંદોલન બાદ જે પ્રકારે પાટીદાર યુવાનો ભાજપને પછાડવા માટે મેદાને પ્રડયા હતા.તે જોતા એવું લાગતું હતું કે સુરત સહિત સમગ્ર રાજ્યની વિધાનસભા બેઠકો ઉપરઆની માઠી અસરો પડશે.પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો પાસ અને કોંગ્રેસ માટે ખૂબ જ આઘાતજનક અને આંચકો આપનારા હતા.
સુરત શહેરની ૧૨ બેઠકો અને જિલ્લાની ચાર બેઠકો મળી કુલ ૧૬ બેઠકો પૈકી ૧૫ બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાયો હતો.તેમાં પણ ખાસ કરીને પાટીદારોની વસ્તીવાળા વિસ્તારોમાની પાંચ બેઠકો પૈકી એક પણ બેઠકો કોંગ્રેસને ફાળે જવા પામી ન હતી.જે પરથી એક વાત સ્પષ્ટ છે કે રાજકારણમાં ચૂંટણી અગાઉ જ એ વાત ખૂબ જોરશોરમાં ચગી હતી કે પાટીદારોનો ભરોષો નહિ કરાય આ બાબત ખુદ પાસના નેતા હાર્દિક પટેલે શહેરના પૂણાગામના યોગીચોક ખાતે આયોજિત જાહેરસભામાં જાહેરમાં સંબોધી હતી.જે બાબત આજના પરિણામો ઉપરથી સ્પષ્ટ થઇ જવા પામી હતી.
સુરતમાં પાટીદારોના પ્રભુત્વવાળી જે પાંચ બેઠકો છે,તેમાં કતારગામ,વરાછા,સુરત ઉત્તર,કરંજ તથા કામરેજનો સમાવેશ થાય છે.આ પાંચ બેઠકો ઉપર વિધાનસભાની ચૂંટણીમાં ઉભેલા કોંગ્રેસના ઉમેદવારોને પાસના અગ્રણીય નેતા હાર્દિક પટેલનો ટેકો હતો.તેણે સુરતમાં યોજેલી વિશાળ રેલી અને જાહેરસભામાં પણ કોંગ્રેસને પાસનો ટેકો જાહેર કર્યો હતો.તેમણે સુરતમાં વસતા પાટીદારોને વતનમાં રહેતા ુપાટીદારોને કોલ કરી તેમણે ભાજપને મત ન આપી કોંગ્રેસને મત આપવાનું જણાવવા માટેનો આગ્રહ કર્યો હતો.સુરતમાં પાટીદાર યુવાનોની રેલી અને જાહેરસભામાં ખૂબ મોટી સંખ્યામાં પાટીદારો જોડાયા હતા.જેના ઉપરથી એવું રાજકીય ગણીત મંડાતું હતું કે સુરતની કમસેકમ આ પાંચ બેઠકો તો ભાજપે ગુમાવવી જ પડશે.પરંતુ વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામો ખૂબ જ આઘાતજનક અને આશ્ચર્યજનક હતા.કોંગ્રેસ માટે તો આ પરિણામો માઠા પુરવાર થયા જ છે.પરંતુ ખુદ પાટીદાર અનામત આંદોલન અગ્રણીઓ માટે પણ આ પરિણામો આઘાતજનક હતા.ચૂંટણી પહેલા પાસના જે કાર્યકર્તાઓ જાહેરમાં જય સરદારના મોટા ઉપાડે નારા લગાવતા હતા.તેઓ આજે ક્યાંય શોધ્યે જડતા ન હતા.જે બાબત પરથી એ સ્પષ્ટ છે કે પાટીદાર અનામત આંદોલનને ખૂદ પાટીદારોનો જ ટેકો મળી શક્યો નથી.માટે હવે પછી પાટીદાર અનામત આંદોલન વિખેરાય જશે કે શું..તેનું ભાવિ શું રહેશે તે તો આવનાર સમય જ બતાવશે.
પરંતુ પાટીદાર અનામત આંદોલન સમિતિના સુરતના એક સમયના કન્વિનર રહેલા વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે આગામી તા.૧લી જાન્યુઆરી ૨૦૧૮થી પાસનું કોઇ નામોનીશાન રહેશે નહિ.વિજય માંગુકિયા ગત તા.૮મી ડિસેમ્બરના રોજ પાસ છોડી ભાજપનો ટેકેદાર બની ગયો હતો.તેને પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારોમાં કોંગ્રેસના કારમાં પરાજય માટેના કારણો આપતા જણાવ્યું હતું કે સૌથી પ્રથમ તો પાસના યુવાન અગ્રણીઓના વિચારો પાત્રીસી વટાવી ચુકેલા લોકો સાથે મળતા ન હતા.ઉપરાંત સૌૈનિકોના કલ્યાણ માટે યોજાયેલી રામ કથાનો પાસ દ્વારા કરાયેલો દુષ્ટપ્રચાર અને વિરોધ ખુદ પાટીદાર મતદારોને ભાજપ તરફ વાળવામાં મહત્વનો પુરવાર થયો હતો.જોકે હવે વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે.જેના પરિણામો પરથી પ્રતિત થઇ જ ગયું છે કે પાટીદારોનો મત કઇ તરફ છે.ત્યારે હવે પાસના આંદોનનો તો કોઇ અર્થ જ રહેતો નથી.

સુરતમાં ભાજપના ૯ ઉમેદવારોએ ૩૫૦૦૦થી
લઈ ૮૦ હજારથી વધુની સરસાઈ મેળવી

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
૧૫૫-ઓલપાડ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પટેલ મુકેશભાઇ ઝીણાભાઇને ૧૪૭૮૨૮ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર બાકરોલા યોગેન્દ્રસિંહ ચંદ્રસિંહને ૮૬૨૫૦ જેટલા મતો મળ્યા હતા. ઓલપાડના ભાજપના ઉમેદવાર મુકેશ પટેલ ૬૧૫૭૮ જેટલા મતોની સરસાઇથી વિજેતા થયા હતા. ૧૫૬-માંગરોળ (એસ.ટી.) બેઠક પર ભાજપના ઉમેદવાર વસાવા ગણપતસિંહ વેસ્તાભાઇને ૯૧૧૧૪ મત અને કોંગ્રેસના ઉમેદવાર વસાવા નાનસિંગભાઇ નંદરિયાભાઇને ૫૦૩૧૫ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ગણપત વસાવા ૪૦૭૯૯ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૫૭-માંડવી (એસ.ટી.) બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી આનંદભાઇ મોહનભાઇને ૯૬૪૮૩ મત અને ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ મેરજીભાઇ ચૌધરીને ૪૫૭૦૭ મતો મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઇ ચૌધરી ૫૦૧૧૬ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૫૮-કામરેજ બેઠક પર ભાજપના ઉમેદવાર વી.ડી. ઝાલાવાડિયાને૧૪૭૩૭૧ અને કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાને ૧૧૯૧૮૦ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ઝાલાવાડિયા ૨૮૧૯૧ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૫૯-સુરત પૂર્વ બેઠક પરના ભાજપના ઉમેદવાર અરવિંદ શાંતિલાલ રાણાને ૭૨૫૫૪ અને કોંગ્રેસના ઉમેદવાર ભરૂચા નીતિનકુમાર ઠાકોરદાસને ૫૯૨૪૦ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા ૧૩૩૪૭ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૦-સુરત ઉત્તર બેઠક પર ભાજપના ઉમેદવાર બલર કાંતિભાઇ હિમ્મતભાઇને ૫૮૭૮૮અને કોંગ્રેસના ઉમેદવાર કાછડિયા દિનેશભાઇ મનુભાઇને ૩૮૭૬૬ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કાંતિભાઇ બલર ૨૦૦૨૨ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૧-વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કિશોર કાનાણી (કુમાર)ને ૬૬૪૭૨ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર ગજેરા ધીરુભાઇ હરિભાઇને ૫૪૪૭૪ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર કિશોર કાનાણી ૧૩૯૯૮ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૨-કરંજ બેઠક પર ભાજપના ઉમેદવાર ઘોઘારી પ્રવિણભાઇ મનજીભાઇને ૫૮૬૭૩ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર ભુંભળીયા ભાવેશભાઇ ગોવિંદભાઇ (એડવોકેટ)ને ૨૩૦૭૫ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પ્રવિણભાઇ ઘોઘારી ૩૫૫૯૮ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૩-લિંબાયત બેઠક પર ભાજપના ઉમેદવાર પાટીલ સંગીતાબેન રાજેન્દ્રભાઇને ૯૩પ૮પ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર ડો.રવિન્દ્ર શુકલાલ પાટીલને ૬૧૬૩૪ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલ ૩૧૯૫૧ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૪-ઉધના બેઠક પર ભાજપના ઉમેદવાર પટેલ વિવેક નરોત્તમભાઇને ૮૭૮૮૪ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર પટેલ સતીષભાઇ ચંપકભાઇને ૪૫૫૫૬ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર નરોત્તમભાઇ પટેલ ૪૨૫૨૮ જેટલા વિજય થયા હતા. ૧૬૫-મજુરા બેઠક પર ભાજપના ઉમેદવાર હર્ષ રમેશકુમાર સંઘવીને ૧૧૬૭૪૧ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર કોઠારી અશોક મોહનલાલને ૩૦૯૧૪ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી ૮૫૮૨૭ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૬-કતારગામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિનોદભાઇ અમરશીભાઇ મોરડીયા (વિનુભાઇ નિગાળા)ને ૧૨૫૩૮૭ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર જીજ્ઞેશ જીવાણીને ૪૬૧૫૭ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર વિનુભાઇ મોરડીયા ૭૯૨૩૦ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૭-સુરત પશ્વિમ બેઠક પર ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદીને ૧૧૧૬૧૫ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર પટેલ ઇકબાલ દાઉદને ૩૩૭૩૩ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર પૂર્ણેશ મોદી ૭૭૮૮૨ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૮-ચોર્યાસી બેઠક પર ભાજપના ઉમેદવાર પટેલ ઝંખના હિતેશકુમારને ૧૬૬૦૯૯ મતો અને કોંગ્રેસના ઉમેદવાર પટેલ યોગેશ ભગવાનને ૫૮૧૫૨ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ઝંખનાબેન પટેલ ૧૧૦૮૧૯ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૬૯-બારડોલી (એસ.સી.)બેઠક પર ભાજપના ઉમેદવાર ઇશ્વરભાઇ (અનિલ) રમણભાઇ પરમારને ૯૪૭૭૪ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર તરૂણકુમાર જગુભાઇ વાઘેલાને ૫૯૯૨૦ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ઇશ્વરભાઇ પરમાર ૩૪૮૫૪ જેટલા મતોથી વિજય થયા હતા. ૧૭૦-મહુવા બેઠક પર ભાજપના ઉમેદવાર ઢોડિયા મોહનભાઇ ધનજીભાઇને ૮૨૬૬૭ જેટલા મતો અને કોંગ્રેસના ઉમેદવાર ચૌધરી તુષારભાઇ અમરસિંહભાઇને ૭૬૧૬૪ જેટલા મતો મળ્યા હતા. ભાજપના ઉમેદવાર ૭૪૩૩ જેટલા મતોથી વિજય થયા હતા.

સુરત પૂર્વ અને લિંબાયત બેઠકો ઉપર છેલ્લે સુધી કોંગ્રેસ આગળ હતી
(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શહેરના એસવીએનઆઇટી કોલેજ ખાતે યોજાયેલી મતગણનામાં સુરત પૂર્વ અને લિંબાયત વિધાનસભા મત વિસ્તારનો પણ સમાવેશ થતો હતો. આ બેઠકો ઉપર કોંગ્રેસના ઉમેદવારો અંતિમ રાઉન્ડો સુધી ભાજપનો ઉમેદવારોથી આગળ ચાલતા હતા. જેથી એવું સ્પષ્ટ જણાતું હતું કે, આ બે બેઠકો કોંગ્રેસના ફાળે જશે. ભાજપના આ બેઠકના ઉમેદવારોએ પોતાની જીતવાની આશા પણ છોડી દીધી હતી. જેમાં લિંબાયતની બેઠક ઉપર શહેર ભાજપના કદાવર નેતા ગણાતા સાંસદ સી.આર.પાટીલની આબરૂ દાવ પર લાગી હતી. કારણ કે, તેમના સમર્થિત ભાજપના ઉમેદવાર સંગીતાબેન પાટીલ હતા જ્યારે સામે ભાજપમાંથી જ કોંગ્રેસમાં જોડાયેલા કોર્પોરેટર ડો. રવિન્દ્ર પાટીલ હતા જ્યારે સુરત પૂર્વની બેઠક ઉપર માઇનોરિટીના મતદારોનું પ્રભૃત્વ વધુ હતું જેથી આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર અરવિંદ રાણા, કોંગ્રેસના નીતિન ભરૂચા સામે પોતાની હાર પારખી મત ગણના સ્થળ પર પણ આવ્યા ન હતા. પરંતુ છેલ્લા છેલ્લા રાઉન્ડમાં આ બંને બેઠકો ઉપર બાજી પલટાઇ હતી અને કોંગ્રેસના ઉમેદવારો પરાજય તરફ ઢળ્યા હતા. અંતે આ બંને બેઠકો ઉપર ભાજપના ભગવો લહેરાયો હતો. દરમિયાન સુરત લિંબાયતના કોંગ્રેસના ઉમેદવાર ડો.રવિન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે, લોકશાહીમાં જનતા જનાર્દન સર્વ પરી છે. જેમને અમને મતો આપ્યા છે તેમનો હું આભાર માનું છું અને મારા પરાજય સ્વીકારૂ છું. અમને જે બુથો ઉપર મતો મળ્યા નથી. તે બુથો ઉપર હવે પછી વધુ મહેનત કરી આ બેઠક ફરી જીતવા માટે તનતોડ મહેનત કરીશું. સુરત પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર નીતિનભાઇ ભરૂચાએ જણાવ્યું હતું કે, અમને જે મતદારોએ મતો આપ્યા છે. તેમના અમે આભારી છીએ, પરંતુ મારી વિધાનસભા બેઠકના સગરામપુરા, રૂસ્તમપુરા, નાનપુરા અને ગોપીપુરા જેવા વિસ્તારોના મતદારો કોંગ્રેસને સાથ આપ્યો ન હતો. જેથી ૧૩૩૪૭થી મારો પરાજય થયો છે. પરંતુ હવે પછી આ તમામ વિસ્તારોમાં પણ કોંગ્રેસ મજબૂત થાય તેવા અમે પ્રયાસ કરીશું.

સુરતની ૧૬ બેઠકો ઉપર ૩૪,૩૨૦ ઉમેદવારોએ નોટાનું બટન દબાવ્યું

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
શહેરની એસવીએનઆઇટી અને ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ હતી. શહેરની તમામ વિધાનસભા બેઠકોના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે બંને મતગણતરી કેન્દ્રો પર પહોંચ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શરૂ કરવામાં આવેલી મતગણતરીમાં શરૂઆતના તબક્કામાં જ ભાજપનો ભગવો લહેરાતો જોવા મળી રહ્યો હતો જ્યારે કોંગ્રેસ માંડ-માંડ એક બેઠક ઉપર સફળ રહી હતી. આ દરમિયાન નોટાને પણ ભાજપ -કોંગ્રેસ બાદ વધુ વોટ મળી રહ્યા હોય તેવું જાણવા મળ્યું છે. સુરત શહેરની ૧૬ બેઠકો પૈકી ૧૫૫-ઓલપાડ વિધાનસભા બેઠક પર ૩૮૯૭, ૧૫૬-માંગરોળ (એસ.ટી.) બેઠક પર ૧૮૦૦, ૧૫૭-માંડવી (એસ.ટી.) બેઠક પર ૪૯૨૮, ૧૫૮-કામરેજ બેઠક પર ૩૪૧૩, ૧૫૯-સુરત પૂર્વ બેઠક પર ૧૧૬૩, ૧૬૦-સુરત ઉત્તર બેઠક પર ૯૧૨, ૧૬૧-વરાછા બેઠક પર ૧૦૬૦, ૧૬૨-કરંજ બેઠક પર ૯૦૦, ૧૬૩-લિંબાયત બેઠક પર ૯૪૦, ૧૬૪-ઉધના બેઠક પર ૧૭૩, ૧૬૫-મજુરા બેઠક પર ૧૯૩૮, ૧૬૬-કતારગામ બેઠક પર ૧૬૯૩, ૧૬૭-સુરત પશ્વિમ બેઠક પર ૧૯૮૬, ૧૬૮-ચોર્યાસી બેઠક પર ૨૬૪૬, ૧૬૯-બારડોલી (એસ.સી.)બેઠક પર ૩૭૧૪, ૧૭૦-મહુવા બેઠક પર ૩૧૫૭ મતદારોએ પોતાનો મત અધિકારનો ઉપયોગ તો કર્યો હતો પણ ૧૬ બેઠકો ઉપર કુલ ૩૪૩૨૦ જેટલા ઉમેદવારોને કોઇ પણ પક્ષના ઉમેદવારને પસંદ ન કરતાં નોટાનો ઉપયોગ કર્યો હતો.

સુરતમાં ચૂંટણી પરિણામો બદલવાની ડંફાસો મારનાર અપક્ષો ધોવાઈ ગયા

(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૮
વિધાનસભાની ચૂંટણી દરમિયાન બહુ મોટા પાયે પોતાની જીતના દાવા કરનારા ભલભલા અપક્ષ ઉમેદવારોની મતદાતાઓએ હવા કાઢી નાંખી છે. સુરતમાં જ એક-બે નહીં પરંતુ અડધા ડઝન કરતા વધુ એવા ઉમેદવારો મેદાનમાં હતા. જે પોતાની જીતના દાવા કરી રહ્યા હતા કાંતો પછી પોતે ચૂંટણી પરિણામો બદલવાની તાકાત રાખતા હોવાનો દંભ ભરી રહ્યા હતા. ભાજપ કોંગ્રેસ વચ્ચેની સીધી લડાઇમાં આવા ઉમેદવારોને જનતા જનાર્દને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નૈષથ્યમાં ધકેલી દીધા હોવાનું આજના ચૂંટણી પરિણામો પરથી સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા પરિણામો-વલણનું વિશ્લેષણ કરતા શહેરની ચાર વિધાનસભા બેઠકો પર ચૂંટણી પરિણામો બદલવાના દાવા કરનારા અપક્ષ અને એનસીપી-શિવસેનાના ઉમેદવારોના ભુંડા હાલ થયા હોય તેવું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. ઉત્તર ભારતીય સમાજ વતી ચોર્યાસી વિધાનસભા બેઠક પર અજય ચૌૈધરીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. અજય ચૌધરી અને તેમના સમર્થકો દ્વારા ચોર્યાસી વિધાનસભા બેઠક પર ૬૦ હજાર વોટ મળવાના દાવા કરવાની સાથે ભાજપની નિશ્ચિત હારની ગણતરી મૂકવામાં આવી હતી જો કે, આજે આવી રહેલા ચૂંટણી પરિણામો પરથી અજય ચૌધરીને માત્ર ૨૬૦૦ વોટ મળ્યા છે અને તેમની તમામ ગણતરી અને રણનીતિને મરણતોલ ફટકો પડ્યો હોય તેવું નજરે પડી રહ્યંુ છે. બીજી તરફ રાજ્યની સૌથી વધુ કશ્મકશ વાળી બેઠકોમાં શામિલ થતી લિંબાયત વિધાનસભા બેઠકમાં એનસીપીના ઉમેદવાર અકરમ અંસારીને પ૧ હજાર વોટ મળવાનો દાવો કર્યો હતો. જો કે મતદારોએ ધરાર જાકારો આપતા અકરમ અંસારીને માત્ર પ૦ર૧ વોટ મળ્યા છે. આ જ બેઠક પર શિવસેનાની ચૂંટણી લડી રહેલા અને ભાજપથી છેડો ફાડનારા યુવા નેતા સમ્રાટ પાટીલે પણ ૧૦ હજાર વોટ મેળવવાનો દાવો કર્યો હતો. પરંતુ તેને માત્ર ૩૩પ૧ વોટ મળ્યા હતા. કરંજમાં પણ ભાજપના ભીમજી પટેલે ટિકિટ ન મળતા પાર્ટી સાથે છેડો ફાડી અપક્ષ દાવેદારી નાંધાવી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks