(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૬
સુરત પોલીસે શહેરના વરાછા, ઉધના અને લિંબાયતમાં ચાલતા દારૂના અડ્ડા ઉપર પોલીસે દરોડા પાડી પાંચ ઈસમોને ઝડપી પાડી ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ત્રણ સ્થળોએ મળી કુલ રૂા.૪.૮૫ લાખની મતા કબજે લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વરાછા પોલીસે બાતમીના આધારે એ.કે. રોડ વિસ્તારના ત્રણ પાનના વધુ પાસેની તુલસીવાડીના મકાન નં.૨ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન મકાન નં.૨ પાસે એક સફેદ કલરની ઇકો ગાડી (નં.જીજે-૧૯-એએફ-૩૩૯૧) આવતાં તેને આંતરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ ગાડીમાં આવેલા બે ઈસમો નાસી છૂટયા હતા. પોલીસે ગાડીની તલાસી લેતાં, તેમાંથી હરિયાણા બનાવટની રોયલ ચેલેન્જની ૨૪ બોટલો, ઓફિસર ચોઈસની ૧૫૮૪ બોટલો મળી આવી હતી. પોલીસે રૂા. ૧,૫૦,૦૦૦ની કિંમતની કાર સહિત કુલ રૂા.૩,૨૨,૮૦૦ની મતાના મુદ્દામાલ કબજે લીધો હતો. ઉપરાંત આ દારૂનો જથ્થો મંગળવાર સંજીત ઉર્ફે સંદીપ સુભાષભાઈ સહાનીની અટકાયત કરી હતી. ઉધના પોલીસે ઉધના કલ્યાણ કુટીર વિસ્તારમાં આવેલી શક્તિનગર ઝૂંપડપટ્ટી ખાતે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે વગર પાસ પરમીટે દેશી દારૂનો જથ્થો રાખનાર ચાર ઈસમોને ઝડપી પાડી તેમના પાસેથી રૂા.૮૧,૫૫૦નો દારૂનો જથ્થો રોકડા રૂા.૧૭,૨૦૦ એક મોબાઈલ ફોન, મળી કુલ રૂા.૫૨,૭૯૮ની મતા કબજે લીધી હતી. પોલીસે ઝડપેલા ચાર આરોપીઓમાં દીપક ઉર્ફે બંટી મધુકર ટીકરે, દિગમ્બર કામા નિકમ, રાહુલ બાપુભાઈ સૈદાણી, પંકજ સોપાન ગુરીંદેનો સમાવેશ થાય છે. જ્યારે પોલીસે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા. જેમાં દારૂ આપનાર તીલક માલિયો તથા લાલનો સમાવેશ થાય છે. લિંબાયત પોલીસે બાતમીના આધારે પરવત ગામની બોમ્બે કોલોનીની બિલ્ડિંગ નં.બી/૨ના રૂમ નં.૧૫માં દરોડા પાડ્યા હતા. જ્યાંથી પોલીસને જુદી જુદી બાજુની દારૂની બોટલો મળી આવી હતી. જેની કિંમત રૂા.૧,૦૯,૪૦૦ થવા જાય છે. પોલીસે આ ગેરકાયદેસરની દારૂનો જથ્થો રાખનાર વિનોદ ઉર્ફે મામા બાબુભાઈ મેડાને વોન્ટેડ જાહેર કરી બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ લિંબાયત પોલીસે હાથ ધરી છે.