(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર,તા.૮
રાજ્યમાં જીએસટી સામેનો વિરોધ દિનપ્રતિદિન આક્રમક બની રહ્યો છે. સુરતમાં ટેક્ષ્ટાઈલના વેપારીઓ પર થયેલા લાઠીચાર્જ બાદ આજે જીએસટીના વિરોધમાં વેપારીઓએ જંગી મહારેલીનું આયોજન કરીને ભાજપ સરકાર સામે રોષ પ્રદર્શિત કર્યો હતો. છેલ્લા છ દિવસથી શહેરની ટેક્ષ્ટાઈલ માર્કેટોમાં તમામ દુકાનો બંધ રાખીને અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતરેલા વેપારીઓએ સુરતમાં આજે માથે કાળી પટ્ટી અને ગળામાં કાળા સ્કાફ તથા હાથે કાળી પટ્ટી બાંધી વિશાળ રેલી યોજી હતી. સુરત ટેક્ષ્ટાઈલ જીએસટી સંઘર્ષ સમિતિના કન્વીનર તારાચંદ કાસટ અને પૂર્વ ફોસ્ટા અધ્યક્ષ સરદાર અત્તર સિંઘના માર્ગદર્શન હેઠળ જીએસટીના વિરોધમાં આંદોલન ચલાવવામાં આવી રહ્યું છ.ે સોમવારે ૩ જુલાઈથી શહેરની ૧૬પ ટેક્ષ્ટાઈલ માર્કેટોના નાના મોટા ૭પ હજાર વેપારીઓ અનિશ્ચિત મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા છે. રીંગરોડ જે.જે. માર્કેટ સામે બ્રીજ નીચે ભજન કિર્તન દ્વારા સરકારને કાપડ વેપારીઓ પરથી જીએસટી નાબુદ કરવા માટેની સદબુધ્ધિ મળે તે માટે ધાર્મિક કાર્યક્રમો દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવતો હતો. આજે જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા મહારેલીનું આયોજન કરીને કલેકટરને આવેદનપત્ર આપવાના હતા. શહેર પોલીસ દ્વારા જીએસટી સંઘર્ષ સમિતિને મહારેલી માટે માત્ર રીંગ રોડ સાલાસર ગેટથી કિન્નરી સર્કલ થઈ સહારા દરવાજા થઈને પાછા સાલાસર ગેટ સુધી બેથી ત્રણ કિલોમીટરની જ પરમીશન આપી હતી. કલેકટરને આવેદનપત્ર આપવા માટે માત્ર સંઘર્ષ સમિતિના આગેવાનો જ જવાની પરવાનગી આપવામાં આવી હતી. જયારે ૧૧ વાગ્યાથી જ રીંગરોડ જે.જે. માર્કેટ ખાતે વેપારીઓ મોટી સંખ્યામાં મહારેલીમાં ભાગ લેવા માટે ભેગા થયા હતા. અરૂણ જેટલી હાય હાય, વેપારી એકતા ઝિંદાબાદના નારા સાથે બપોરે ૧ર વાગે મહારેલી નીકળી હતી. અને કલેકટર ઓફિસ સુધી પહોંચી કલેકટરને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આજની રેલીમાં વેપારીઓનો રોષ સ્પષ્ટ જણાઈ આવતો હતો. રેલીમાં કાપડના વેપારીઓ સાથે પૂંઠા કાપવા વાળા, પોકિંગવાળા, ટેમ્પો-ટ્રેક એસોસિએશન અને ટ્રેડ કર્મચારીઓ પણ જોડાયા હતા. સુરતના વેપાર જગતમાં અગાઉ કયારેય નહી નીકળી હોય તેવી મહારેલી આજે સંપન્ન થયાનો દાવો સમિતિએ કર્યો હતો. આજે નીકળેલી વિશાળ મહારેલી ઉપર પોલીસે ડ્રોન કેમેરાની મદદથી નજર રાખી હતી.