(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સુરત ક્રાઇમ બ્રાંચે આંતરરાજ્ય ગેંગ દ્વારા ચોરી કરેલ ફોર વ્હીલ ગાડીઓની રી-પાર્સિંગ કરી વેચાણ કરતા મુખ્ય સૂત્રધારને સરથાણા હરેકૃષ્ણ ડાયમંડ નજીક ખાડી બિન્જ પરથી ઝડપી પાડી ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે રૂા.૧ કરોડ ૩ લાખની ૧૯ ફોર વ્હીલ ગાડીઓ કબજે કરી છે. અન્ય ૩૧થી વધુ ફોર વ્હીલ ગાડીઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. હાલ આ ગેંગના અન્ય સાગરિતોને પકડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાંચને બાતમી મળી હતી કે, મનિષ ચોવટિયા નામનો રીઢો વાહન ચોર ચોરીની ફોર વ્હીલ ગાડીઓ ખરીદી તેનું રી-પાર્સિંગ કરી વેચાણ કરે છે. આ હકીકતના આધારે છેલ્લા ત્રણ મહિનાથી ક્રાઇમ બ્રાંચે મનિષ ચોવટિયાની હરકતો પર ખાનગી વોચ રાખી હતી. ત્યારબાદ વર્ક આઉટ કર્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, મનિષ ચોવટિયા જીજે-૧૧-ટીટી- ૬૩૦૯ નંબરની ટવેરા ગાડી લઇને સરથાણા જકાતનાકા હરેકૃષ્ણ ડાયમંડ ખાડી બિન્જ પાસે ઊભો છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના તોરણિયા ગામનો વતની અને હાલ સરથાણા જકાતનાકા મધુરમ એપાર્ટમેન્ટમાં રહેતો મનિષ ઉર્ફે રાજુ દેવસી ચોવટિયા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ટવેરા ગાડી અંગે પૂછપરછ કરતા મનિષે ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ટવેરા ગાડીના એન્જિન અને ચેસીસ નંબરના આધારે સુરત આરટીઓમાં તપાસ કરાવી હતી ત્યારે આ ગાડીનો માલિક ઓલપાડના તેના ગામ ખાતે રહે છે અને તેનું નામ સાગર કિશોર વાઘાણી છે. તેનો રજિસ્ટર નંબર- જીજે-૫-જેઆર-૧૨૬૬ છે. આ ગાડી સરથાણા પોલીસ મથકની હદમાંથી ૨૦૧૬માં ચોરાઇ હતી. જે અંગે ક્રાઇમ બ્રાંચે તપાસ કરતા તેનો ગુનો નોંધાયો હતો. પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેની સાથે યુપી પ્રતાપગઢ જિલ્લાના રાણીગંજ થાનાના હરીક્યાપુર ગામમાં રહેતો અનહદ અલી ઉર્ફે ઇમરાન ઇરશાદ કુરેશી, યુપી પ્રતાપગઢમાં રહેતો નન્ને ઉર્ફે ઇસ્તીપાક અબદુલ શમદ કુરેશી, પવન અને સમીર નામના યુવકો પણ ગાડી ચોરી કરવામાં સામેલ હોવાની કબૂલાત કરી હતી. આ ચારેય જણાં મનિષને ચોરીની ગાડીઓ લાવીને આપતા હતા. ત્યારબાદ મનિષ જૂનાગઢ આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા વિજયકુમાર કાળાભાઇ આહીરને રી-પાર્સીંગ કરાવવા માટે ગાડીઓ આપતો હતો. ચોરી કરેલી ટવેરા ગાડીનું રી-પાર્સીંગ કરાવી તેની આરસી બૂક મેળવી હોવાનું કબૂલાત કરી હતી. આ આંતરરાજ્ય ગેંગ દ્વારા ચોરીની ગાડીના ખોટા દસ્તાવેજો રજૂ કરી રી-પાર્સીંગ કરાવવાનું ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતા હોવાની વિગતો સામે આવી હતી. પોલીસે વધુ પૂછપરછ કરતા મનિષ અને તેના સાગરિતોએ ૫૦થી વધુ ગાડીઓ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. તમામ ગાડીઓનું રી-પાર્સીંગ જૂનાગઢ આરટીઓના એજન્ટ વિજયકુમાર આહીર અને ગાંધીધામ આરટીઓના એજન્ટ મહેશ ઉર્ફે મનોહરસિંહ મંગલસિંહ રાજપુત પાસે કરાવી વેચાણ કરતા હોવાનું પણ કબૂલ્યું હતું. પોલીસે તેની પાસેથી ચોરી કરેલી ૧૯ ફોર વ્હીલ ગાડીઓ કિંમત રૂા.૧.૦૩ કરોડની મતા કબજે કરી છે. હાલ પોલીસે અન્ય સાગરિતોને પકડવા માટે અલગઅલગ ટીમો બનાવી યુપી અને જૂનાગઢ ખાતે રવાના કરી છે.