(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧૦
શહેરના વરાછા વિસ્તારની રત્ના સાગર એપાર્ટર્મન્ટમાં આવેલી આંગડિયા પેઢીનો કર્મચારી અન્ય બ્રાન્ચમાં રૂા.૩૦ લાખની ડિલીવરી આપવા માટે નિકળ્યા બાદ ક્યાંક ગુમ થઇ ગયો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પુણા-કુંભારિયા રોડ પર પંચવટી સોસાયટીમાં રહેતા કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલ વરાછા રત્નસાગર એપાર્ટમેન્ટમાં આવેલ અમૃતભાઈ કાંતિભાઈ એન્ડ કંપની નામની આંગડિયા પેઢી ચલાવે છે. તેઓને ત્યાં પંકજ મણિલાલ પટેલ (રહે. સમર્પણ એપાર્ટમેન્ટ, પરવટ પાટિયા) છેલ્લા કેટલાય વર્ષોથી કામ કરતો હતો. કીર્તિભાઈ દ્વારા પંકજ પટેલને ગત તા.૨૫મી જુલાઈના રોજ રૂપિયા ૩૦ લાખ આપી હરીપુરા શાખામાં જમા કરાવવા આવ્યા હતા. પરંતુ પંકજ પટેલ રૂપિયા ૩૦ લાખ લઈ છૂ થઇ ગયા બાદ હરીપુરા ઓફિસમાં રૂપિયા જમા કરાવ્યા ન હતા. જેના કારણે દોડતા થયેલા કીર્તિભાઈ પટેલ સહિતના ભાગીદારોએ ઠગ પંકજ પટેલનો તેના મૂળ વતન પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસર ગામ સુધી તપાસ કરી હતી પરંતુ ત્યાં પણ ના મળતા આખરે વરાછા પોલીસને જાણ કરી તેના વિરૂદ્ધ છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.