(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૩
સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન વરસેલા ભારેથી અતિભારે વરસાદે ભારે ખાના-ખરાબી સર્જી છે. સાંબેલાધાર વરસાદને કારણે નદીઓમાં પૂર, તળાવો તૂટવા તથા રહેણાંક વિસ્તાર અને માર્ગો પાણીમાં ડૂબી જવાના ભારે અતિવૃષ્ટિના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરેન્દ્રનગર જિલ્લાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારનું હેલિકોપ્ટર દ્વારા હવાઈ નિરીક્ષણ કર્યું હતું. તેમણે અધિકારીઓ પાસેથી પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને બચાવ કામગીરી સહિત લોકોને સહાય વગેરે આપવાની સૂચનાઓ આપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકેલા અનરાધાર વરસાદે તબાહી મચાવી હતી જેમાં સૌથી વધુ ચોટીલામાં ૧૪ ઇંચ વરસાદ સાથે સમગ્ર જિલ્લામાં બારે મેઘ ખાંગા થવાને પગલે નદીઓમાં આવેલા ઘોડાપૂર અને તૂટેલા તળાવોને લીધે ગામડાઓમાં પાણી ઘૂસી જતાં જનજીવન ખોરવાઈ જવા પામ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણી ચોટીલા અને સુરેન્દ્રનગરના વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું હતું. લીંબડી ભોગાવા નદીમાં ભારે પૂર આવતા નીચાણવાળા ઉંટડી, ચોકી, ખંભલાવ, સૌકા, પાણશીણા સહિતના સંખ્યાબંધ ગામોમાં પૂરના પાણી ઘૂસ્યા હતા. જો કે જમીન ઉપર થયેલી તારાજીનો આટલી ઊંચાઈએથી મુખ્યમંત્રીએ તાગ મેળવવાનો પ્રયાસ કર્યો ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું તેઓ ચોક્કસ અંદાજ મેળવી શક્યા હશે ?
પાણી ફરી વળવાને પગલે લોકોના ઘરોની સ્થિતિ બહારથી ઊંચાઈથી તો જોઈ શકાય છે પણ સાચું નિરિક્ષણ કરવા માટે જમીન પર ઉતરવું જ પડે. જોકે આજે મુખ્યમંત્રીએ સુરેન્દ્રનગરની ઉપર હવામાં રહી તારાજીથી સર્જાયેલી સ્થિતિનું નિરિક્ષણ કર્યું હતું અને અધિકારીઓને યોગ્ય કામગીરી કરવાનું સૂચન આપ્યું હતું.
કલેકટર ઉદીત અગ્રવાલ, ડીડીઓ મનીશકુમાર બંસલ, એસપી દિપકકુમાર મેઘાણી સહિતની સમગ્ર જિલ્લાની અધિકારીઓની ટીમ જમીની સ્થિતિનો તાગ મેળવતા રાહત કાર્યમાં લાગી ગઇ હતી. વરસાદને કારણે જિલ્લામાં હાઇ એલર્ટ જાહેર કરી દેવાયું છે.
સતત વરસાદને લીધે જિલ્લાના ૩૩૮૦ લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડયા હતા. જેમાં વઢવાણમાં ૬૦૦, થાનમાં ૩૦૦, સાયલાના ૧૫૦૭, ચોટીલાના ૯૭૩ મળી ૩૩૮૦ લોકોને બચાવાયા હતા. જેમાંથી ૨૭૮૦ લોકોને પાણી ઉતરતા પોતાના ઘરે મોકલાયા હતા. જિલ્લાના ૨૧ ગામોના તળાવો તૂટી જવા પામ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા મૂશળધાર વરસાદની અસર એસ.ટી.બસો પર પડી હતી. જેમાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, લીંબડી,ચોટીલા ડેપોની અંદાજે ૨૦૦થી વધુ ટ્રીપો કેન્સલ કરવામાં આવી હતી.