(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.ર
ગુજરાત અને સૌરાષ્ટ્રભરમાં ચૂંટણીઓનો માહોલ છવાયો છે અને જિલ્લાઓ અને તેના તાલુકાઓમાં રાષ્ટ્રીય અધ્યક્ષો તેના પ્રચાર માટે હાલમાં મૂકાયા છે ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ૪/૧૧/એ શનિવારે સુરેન્દ્રનગર શહેર મુલાકાતે પધારી રહ્યા છે. તો પાટીદાર નેતા હાર્દિક પટેલ પાંચમી નવે. રવિવારે સાંજે આવનાર છે. આમ ઝાલાવાડમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના હોદ્દેદારો, સાંસદો અને ધારાસભ્યોને ભાજપના સુકાન અને ભાજપની જીત મેળવવા માટેની કામગીરી અંગે માર્ગદર્શન આપનાર છે.
આ વેળા અમિત શાહ ભાજપના કાર્યનિષ્ઠ કાર્યકરોને સાંભળી ધારાસભ્ય બેઠક માટેની ચર્ચા વિચારણા પણ કરનાર છે. આમ હાલ ભાજપમાં તેજ ગતિવિધિઓ જોવા મળે છે.
જ્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ભક્તિનંદન સર્કલ એટલે પાટીદાર-પાવરવાળો વિસ્તાર ગણાય છે. અહીં પાટીદાર માટે છેલ્લા ઘણા સમયથી અનામત માટે મોરચો ખૂલ્લો છે તો સરકારમાં પણ પાટીવાર પાવર બતાવી ચૂકેલા એવા પાસના યુવા કન્વિનર હાર્દિક પટેલ સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ભક્તિનંદન સર્કલ પાસે પ/૧૧/ને રવિવારે સાંજના ૪થી પ વાગ્યા દરમ્યાનમાં સભા સંબોધન કરવાના છે.
ત્યારે પાસના કન્વીનર અમિત પટેલ તેમજ અનેક કાર્યકરો દ્વારા હાર્દિક પટેલની સભા અને સરકારના નિર્ણયો અંગે ચર્ચાસ્પદ માહિતી સાથે ખૂલ્લા મંચ સમાન સભા કરવાના છે. ત્યારે લેઉવા પાટીદાર સમાજના અગ્રણીય મોહનભાઈ પટેલ, હિતેષભાઈ બજરંગ, આર.જી.પટેલ અને પાસના યુવા કાર્યકરોની ટીમ આ સભાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. ત્યારે હાર્દિક પટેલની આ સભામાં માનવ મહેરામણ ઉમટી પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.