(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૮
સુરેન્દ્રનગર શહેરના પતરાવાળી વિસ્તારમાં આવેલ તાલુકા શાળાની સામે આવેલા અંબિકા કોમ્પલેક્ષમાં આજે સવારના એકાએક વિકરાળ આગ લાગવાની ઘટના બનવા પામી હતી. વિકરાળ આગે છ દુકાનોને લપેટમાં લઈ લેતાં પલવારમાં ભડભડ કરતી છ દુકાનો બળી જવા પામેલ છે. સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકાના ફાયર ફાયટરોને જાણકારી મળતાં વઢવાણ-સુરેન્દ્રનગરમાંથી પાણીના બંબા લઈ ફાયર ફાયટરો અંબિકા માર્કેટની દુકાનોમાં આગ ઓલવવા પાણીનો મારો ચલાવેલો. અંબિકા માર્કેટમાં છ દુકાનોમાં આગ કેવી રીતે લાગી, આગ લાગવાનું કારણ શું એ હાલ તો અકબંધ રહેલું છે. માલ સામાન અને દુકાનો સળગી ખાખ બની ગયેલ છે ત્યારે દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે. આગ લાગવાના કારણે ઉપર તમામ દુકાનદારોમાં ભારે અફરાતફરીનો માહોલ છવાયેલો હતો. પોલીસ પણ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચેલ હતી.