સર્જિકલ સ્ટ્રાઈક, ગોધરા ટ્રેનકાંડ કે અક્ષરધામ હુમલો જેવાં કાવતરાં ભાજપ રાજકીય લાભ ખાટવા જ કરે છે

સૈન્યની બહાદૂરીનો યશ પોતાના શિરે લેવાની વૃત્તિથી ભાજપ દૂર રહે : શંકરસિંહ

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.૪

સર્જિકલ સ્ટ્રાઈકને એક સપ્તાહનો સમય વીતી ગયો હોવા છતાં આજે પણ ભારત સરકારનું ગૃહ કે સંરક્ષણ ખાતું સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા રજૂ કરી શક્યું નથી, ૧૯૬પમાં લશ્કર લાહોરની ભાગોળે પહોંચી ગયું હતું. ૧૯૭૧માં બાંગ્લાદેશ અલગ થયું ત્યારે તત્કાલિન વડાપ્રધાનોએ યશ ખાટવાની હલકી ચેષ્ટા કરી ન હતી, અત્યાર સુધીમાં ૪૦૦ કરતા વધારે વખત સર્જિકલ સ્ટ્રાઈક પાડોશી દેશોમાં આપણે કરી છે. સામે પક્ષે પાડોશી દેશોએ પણ સરહદનો ભંગ કરી આવું કર્યું છે આને યુદ્ધ ન કહેવાય. પરંતુ આમાં ભાજપની રાજકીય લાભ ખાટવાની નીતિને લીધે પંજાબ અને ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પહેલાં પ્રજાને છેતરવા અને ગભરાવવા ભાજપની રાજકીય ચાલ છે.

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયા તથા પત્રકાર મિત્રો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ સર્જિકલ સ્ટ્રાઈક માટે આપણે આપણા બહાદુર સૈનિકો અને સૈન્યને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે સ્વાભાવિક છે કે, સરહદની સલામતી તેમના હાથમાં છે, પરંતુ બહાદુર સૈનિકોએ બતાવેલી બહાદુરીનો યશ રાજકીય રીતે સરકારના વડા લેવા માંગતા હોય તો તે રાજકીય પક્ષ તરીકે ભાજપનો ઇતિહાસ દેશની પ્રજાએ જાણવો અને સમજવો જોઈએ. વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના સિનિયર લીડર અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ શૌરીએ પણ ટ્‌વીટ કરીને કહેવું પડ્યું કે, ભૂતકાળમાં ડો. મનમોહન સિંહની સરકાર વખતે પણ ૬ વખત સર્જિકલ સ્ટ્રાઈક થઈ હતી, પરંતુ તેનો ઉપયોગ રાજકીય લાભ ખાટવા માટે કર્યો નહોતો. શૌરીએ શંકા વ્યક્ત કરી છે કે, પંજાબ અને ઉત્તરપ્રદેશની આગામી ચૂંટણીઓ લાભ લેવા માટે આર્મીનો ઉપયોગ આ સરકાર કરી રહી છે એમણે આ સર્જિકલ સ્ટ્રાઈક અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફની મિલીભગત હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે, ર૦૦રમાં ગુજરાતના ગોધરામાં ટ્રેનનો ડબ્બો બાળવાનું જે કૃત્ય થયું, તેમાં ર૦૦૦ કરતા વધારે લોકોની લાશો પાડીને વિધાનસભાની જે તે વખતે ચૂંટણીમાં ભાજપે લાભ લીધો હતો. અક્ષરધામ પરના હુમલામાં ૩૭ હરિભક્તો કહેવાતા ત્રાસવાદીઓના હુમલામાં મોતને ભેટ્યા હતા. આ બંને બનાવોના આજે પણ છેડા જડતા નથી, પરંતુ ભાજપે પોતાની તરફેણમાં માહોલ ઊભો કરવા તેનો ઉપયોગ કર્યો હતો. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે પણ કહેવું પડ્યું હતું કે, ગુજરાતમાં ર૩ કરતા વધુ બનાવટી એન્કાઉન્ટર થયા હતા. આ બનાવટી એન્કાઉન્ટરોના પરિણામે ગુજરાતના ૧ર જેટલા આઈપીએસ અને અન્ય પોલીસકર્મીઓને જેલ ભોગવવી પડી. તે વખતના રાજ્યકક્ષાના ગૃહમંત્રી અને આજના અખિલ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષને કોર્ટે તડીપાર કરી ગુજરાતની બહાર તગેડી મૂક્યા હતા. આજે આ બધા કેસો રફેદફે કરવામાં ભાજપ સફળ થયું છે. ફક્ત પોતાના રાજકીય લાભ ખાટવાના ઉપયોગ કરવા સારું આવા બધા કાવતરા ભાજપ કરતી હોય તે તેનો ભૂતકાળ છે. ર૦૧૪માં દેશની લોકસભાની ચૂંટણીઓ વખતે પ્રજાને ભોળવવા માટે જે લુખ્ખા અને ઠાલાં વચનોની લ્હાણી કરેલી તેની પણ ઉઘરાણી દેશના મતદારો કરી રહ્યા છે. આ ઠાલા વચનો જેવા કે, કાળું નાણું પાછું લાવીશું અને રૂા.૧પ લાખ દરેકના ખાતામાં જમા કરીશું, પાંચ કરોડ કરતાં વધુ લોકોને રોજગારી મળશે, હું દેશનો ચોકીદાર છું તેમ કહેતા હોવા છતાં માલ્યા જેવા લોકો દેશ છોડીને ભાગી જાય એ શું બતાવે છે ? દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થશે., મોંઘવારી ઓછી થશે, આવા અનેક અગડમ-બગડમ વચનો આપીને મતદારોને છેતર્યા હતા તેનો આખો દેશ સાક્ષી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks