Ahmedabad

અમદાવાદમાં બીજી ઓક્ટોબરે ર૦ હજારથી વધુ સરપંચોનું સ્વચ્છતા મુદ્દે મહાસંમેલન

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.રપ
તા.રજી ઓક્ટોબર ગાંધી જયંતિ દિવસે આ વખતે ૧પ૦મી જન્મજયંતિ રાજ્ય સરકાર દ્વારા ઉજવણી કરાઈ રહી હોઈ વિવિધ શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે દેશભરના ર૦ હજારથી વધુ સરપંચોનું સ્વચ્છતાની નેમ સાથે મહાસંમેલન યોજાશે. તા.રજી ઓક્ટોબરને દેશભરમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ તરીકે ઉજવવા અને સ્વચ્છતાનો સંદેશો દેશ તથા દુનિયામાં પહોંચાડવાના પ્રયાસો કરાશે અને તેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ દિવસે સમગ્ર દેશને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત જાહેર કરશે એમ આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને સાકાર કરવા વડાપ્રધાને જે સંકલ્પ કર્યો હતો, દેશને ખુલ્લામાં શૌચક્રિયા મુક્ત કરવાનો તે આજે પૂર્ણ થયો છે.
સાબરમતી રીવરફ્રન્ટ, અમદાવાદ ખાતે ૨૦,૦૦૦થી વધુ સરપંચોના યોજાનાર મહાસંમેલનમાં વડાપ્રધાન આ અંગે જાહેરાત કરશે.
તેમણે ઉમેર્યુ કે, સરપંચ સંમેલનમાં રાજ્યના ૧૦,૦૦૦ સરપંચો તથા ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પંજાબ, હરીયાણા સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રસાશિત પ્રદેશના ૧૦,૦૦૦ સરપંચો મળી કુલ-૨૦,૦૦૦ સરપંચો ભાગ લેનાર છે. ઉપરાંત સ્વચ્છતાગ્રહી, સ્વ-સહાય જૂથો, યોજના સાથે સંકળાયેલા ગ્રામ્ય સ્તરના સ્વચ્છતા વર્કરો, મહિલા ચેમ્પીયન મળી કુલ પ્રતિનિધિઓના ૬૦ %થી વધુ બહેનો ભાગ લે તે માટે અગ્રીમતા પણ અપાઇ છે.
વધુમાં ઉમેર્યુ કે, આ કાર્યક્રમમાં વિવિધ રાજ્યોમાંથી ઉપસ્થિત થનાર ૧૦,૦૦૦થી વધુ સરપંચોને અમદાવાદ, સુરત, વડોદરા અને મહેસાણા એમ ચાર ઝોનમાં વિભાજીત કરી ગાંધીજીની સ્મૃતિને લગતાં સ્થળોની મુલાકાત પણ કરાવાશે એટલું જ નહીં ગુજરાતની પરંપરાગત સંસ્કૃતિ એવી નવરાત્રીના ગરબા સ્થળે પણ મુલાકાત કરાવાશે. સાથે-સાથે તેમના માટે કાર્યક્રમમાં સહભાગી થવા માટે ૪૦૦થી પણ વધુ બસોની વ્યવસ્થા કરાઇ છે. અન્ય રાજ્યોમાંથી આવતા પ્રતિનિધિઓને ઝોન પ્રમાણે ગાંધીજીની સ્મૃતિ સાથે સંકળાયેલા સ્થળો જેવા કે, દાંડી મેમોરીયલ-નવસારી, સ્ટેચ્યુ ઓફ યુનિટી-નર્મદા અને દાંડી કુટિર, મહાત્મા મંદિર-ગાંધીનગરની તેમજ મોડલ ગામની મુલાકાત પણ કરાવાશે. આ કાર્યક્રમમાં કેન્દ્ર સરકારના મંત્રીમંડળના સભ્યો દેશ-વિદેશના મહાનુભાવોને પણ સહભાગી થવા આમંત્રણ અપાયું છે. ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, સંસદસભ્યો, શસસ્ત્ર દળના વડાઓ, હાઇકોર્ટના ન્યાયાધિશ, પદ્ય એવોર્ડ વિજેતા, ગાંધીયન સંસ્થાઓ, શિક્ષણવિદો તેમજ વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓને પણ આમંત્રિત કરવામાં આવશે.