નવી દિલ્હી,તા.૩૦
સ્વામી અગ્નિવેશના જણાવ્યા અનુસાર, એમના પર થયેલા હુમલામાં ઝારખંડ સરકાર સામેલ હતી. ધ હિન્દુને આપેલા એક સાક્ષાત્કારમાં સ્વામી અગ્નિવેશે જણાવ્યું કે, પાકુર પાસે એક કોર્પોરેટ હાઉસ માટે ભૂમિ અધિગ્રહણનો વિરોધ કરતા આદિવાસીઓને સંબોધિત કરવાના હોવાથી સ્વામીએ ૧ર દિવસ પહેલા મુખ્યમંત્રીને મળવા માટે મેલ કર્યો હતો. આથી આયોજકોએ રેલી વિશે પોલીસને જણાવ્યું હતું તેમ છતાં કોઈ પોલીસ સુરક્ષા આપવામાં આવી નહીં. એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કર્યા બાદ રેલીના થોડાક જ સમય પહેલા મારપીટ કરવામાં આવી હતી. સ્વામીએ જણાવ્યું હતું કે જે યુવકોએ એમની સાથે દુર્વ્યવહાર અને હુમલો કર્યો તેઓ ‘જયશ્રીરામ’ના સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને ગૌમાંસ ખાવાનું સમર્થન કરતા લોકોને દેશ છોડી જવા માગણી કરતા હતા. આ હુમલાખોરની ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકર્તા તરીકે ઓળખ થઈ છે. સ્વામીએ જણાવ્યું કે એમના પર થયેલા હુમલા અંગે કોઈપણ ભાજપ નેતાએ શબ્દ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી. જો કે એમાના કેટલાક તો એમના મિત્રો છે. સ્વામી અગ્નિવેશે આ મુદ્દે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતને વેદો અને યજ્ઞ પર ચર્ચા કરવા પડકાર ફેંકયો છે.