(એજન્સી) તા.૨૩
કેરળમાં આવેલ ભયાનક વરસાદ અને પૂરના કારણે પ્રભાવિત થયેલા ૧૪ લાખ કરતા વધુ લોકો સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણી મહારાજનું કહેવું છે કે કેરળમાં આવેલી આપત્તિ તેમના પોતાના કર્મોનું ફળ છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે રીતે નેતાઓ અને લોકો ગૌમાંસ ખાઇને દેખાવો કર્યા હતા તેનું આ પરિણામ છે. લોકોએ પણ દાન આપતા પહેલા એ જોવું પડશે કે તેઓ માત્ર શાકાહારીને જ દાન આપે.
ચક્રપાણી મહારાજે જણાવ્યું હતું કે જે લોકો માંસ ખાતા નથી તેમને જ મદદ કરવી જોઇએ કારણ કે ગૌમાંસ ખાનારાઓને મદદ કરવી એ એક પ્રકારનું પાપ છે. જાતે બની બેઠેલા ગોડમેન ચક્રપાણીએ જણાવ્યું હતું કે ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા કારણ કે કેટલાક લોકો ગૌમાતાની હત્યા કરીને તેને દુકાનોમાં પ્રદર્શિત કરે છે. ચક્રપાણીએ જણાવ્યું હતું કે હું પણ કેરળમાં મદદ માટે અપીલ કરી રહ્યો છું પરંતુ જે લોકો કુદરત અને સજીવસૃષ્ટિનો આદર કરે તેમને જ મદદ પહોંચાડવી જોઇએ.
જ્યારે કેરળના લોકોને રોટી ઉપલબ્ધ હતી ત્યારે તેઓ ગૌમાંસ ખાવા માટે ગાયોની કતલ કરતા હતા આથી મારો કહેવાનો અર્થ એ છે કે જે લોકો ગૌમાંસ ખાતા નથી તેમને હિંદુઓએ મદદ કરવી જોઇએ. આ નિવેદન એવા સમયે આવી રહ્યું છે જ્યારે ૮ ઓગસ્ટથી આવેલા ભયાનક પૂરમાં ૨૩૧ લોકોએ જીવ ગુમાવ્યા છે અને ૩૨ લાપત્તા છે. હજુ પણ ૩.૯૧ લાખ પરિવારોના ૧૪.૫૦ લાખ જેટલા લોકો રાજ્યભરમાં પથરાયેલ ૩૮૭૯ રાહત છાવણીઓમાં આશ્રય લઇ રહ્યા છે.