ચંદીગઢ : સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે શાળાએ જતી ૧૨ વર્ષીય બાળા બળાત્કારનો ભોગ બની

(એજન્સી) ચંદીગઢ,તા.૧૬
ચંદીગઢમાં મંગળવારે પોતાની શાળામાં સ્વતંત્રતા દિવસના સમારંભમાં ઉજવણી કરવા જઈ રહેલી ૧૨ વર્ષની એક બાળકીને એક શખ્સે હથિયાર બતાવીને તેનું અપહરણ કરી લીધું. પોલીસના જણાવ્યા અનુસાર, ૮માં ધોરણમાં અભ્યાસ કરી રહેલી આ વિદ્યાર્થિની જ્યારે ઘરેથી શાળાએ જઈ રહી હતી, ત્યારે જ ચંદીગઢ સેક્ટર-૨૩માં આવેલા ચિલ્ડ્રન્સ ટ્રાફિક પાર્કની પાસે એક શખ્સે તેને જબરદસ્તીથી રોકી અને પાર્કની અંદર લઈ જઈને તેની પર બળાત્કાર ગુજાર્યો. પ્રાથમિક જાણકારી અનુસાર, આ ઘટના એ સમયે બની, જ્યારે આ બાળકી શાળામાંથી ઘરે જઈ રહી હતી. આ ઘટના ધોળા દિવસે બની. સ્વતંત્રતા દિવસે જાહેર રજા હોવાને કારણે રસ્તાઓ પર વધુ અવર-જવર નહોતી. પોલીસે જણાવ્યું કે, તેને મેડિકલ તપાસ માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે અને તેને નિવેદન આપવા માટે મેજીસ્ટ્રેટની પાસે લઈ જવામાં આવશે. પોલીસે આ કેસમાં અપહરણ, રસ્તામાં જબરદસ્તીથી રોકવા અને બળાત્કારનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસ અનુસાર, આરોપીએ બાળકીને ધમકી આપી હતી, કે તે આ ઘટના વિશે કોઈને પણ જણાવે નહીં. આ બાળકી કોઈ પણ રીતે ઘરે પહોંચી અને તેણે પરિવારજનોને આ ઘટનાની જાણકારી આપી. ત્યારબાદ પોલીસને આ ઘટનાની સૂચના આપવામાં આવી. આ ઘટના એવા સમયે બની, જ્યારે કેટલાંક દિવસો પહેલા જ હરિયાણાના બીજેપી પ્રદેશ અધ્યક્ષ સુભાષ બરાલાના પુત્ર વિકાસ બરાલાએ વર્ણિકા કુંડૂનો પીછો કર્યો હતો અને તેનું અપહરણ કરવાની કોશિશ કરી હતી. આ કેસમાં વિકાસ બરાલા અને તેના મિત્ર આશિષને ૧૪ દિવસો માટે ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા છે. આ ઘટના હજી ભૂલાઈ પણ નથી ત્યાં ચંદીગઢમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતી એક અન્ય મહિલાએ પણ કોઈ તેનો પીછો કરી રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા ગત રાત્રે દ્વિ-ચક્રી વાહન ચલાવી રહી હતી, ત્યારે ૩ અજાણ્યા શખ્સોએ ગાડીથી સેક્ટર ૩૬થી ૪૦ સુધી તેનો પીછો કર્યો હતો. પોલીસે આ અંગે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks