અમદાવાદ, તા.૧૪
આપણા ભારત દેશની આઝાદીના ૭૧મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે અને આ સમય દેશ માટે અનમોલ પ્રસંગ છે. રાષ્ટ્રના નાગરિકો તેની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાં બાકાત રહ્યું નથી. રાજ્યમાં અનેક સ્થળોએ નવા વિક્રમો સ્થાપવામાં આવે છે અને અવનવી રીતે ધ્વજવંદન કરી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આવા મહામૂલા પ્રસંગે રાજ્યના રાજ્યપાલ ડો.ઓ.પી. કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, અમદાવાદના મેયર ગૌતમ શાહ સહિતનાઓએ નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. રાજ્યના રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શુભેચ્છા સંદેશમાં જણાવ્યું હતું કે આ રાષ્ટ્ર પર્વ આપણને મહાન સ્વાતંત્ર્ય વીરોના બેમિસાલ રાષ્ટ્રપ્રેમ, અપ્રિમ શૌર્ય અને બલિદાનોની અનન્ય ગાથાઓનું સ્મરણ કરાવે છે અને આ પર્વ આત્મમંથન કરવાનો છે તથા આ પર્વએ તેમણે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, બાબાસાહેબ આંબેડકર, રવિશંકર મહારાજ જેવા અનેક મહાન પ્રતિભાઓના જીવનને અનુસરવા માટે અનુરોધ કર્યો હતો તથા સ્વાતંત્ર્ય દિનની સાથે જન્માષ્ટમીના પર્વની પણ હાર્દિક શુભેચ્છાઓ આપી હતી. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છા અને કૃષ્ણજન્મોત્સવની હાર્દિક શુભેચ્છાઓ નાગરિકોને પાઠવી છે. આ પર્વ સમાજમાં પ્રેમ, શાંતિ અને પરસ્પર બંધુત્વની ભાવનાને સુદૃઢ બનાવશે તેમ તેમણે ઉમેર્યું હતું. અમદાવાદના મેયર ગૌતમ શાહે પણ અમદાવાદના નગરજનોને ૭૧માં સ્વાતંત્ર્ય દિનની અને કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી શુભેચ્છા આપતા કહ્યું હતું કે આ નગર સુખ-શાંતિથી સંપન્ન રહે તેવી પ્રાર્થના કરૂં છું, અને તેમણે ગતિશીલ ગુજરાતનો સંકલ્પ કરી આપણા ગુજરાતને સમૃદ્ધ, શિક્ષિત, નિરોગી, નિર્મળ, હરિયાળું અને આધુનિક બનાવવા સહિયારો પ્રયાસ કરવા નગરજનોને હાકલ કરી હતી.