અમદાવાદ,તા.૧૭
રાજ્યભરમાં સ્વાઈન ફ્લૂએ માથુ ઉંચકયું છે અને સ્વાઈન ફ્લૂથી પીડિત રર૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટની ટકોરથી જાણે કે સફાળુ જાગ્યું હોય તેમ તંત્ર અને રાજય સરકાર હરકતમાં આવ્યું છે. જેના ભાગ રૂપે આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઝડપથી રાજયના ચાર મહાનગરોની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ સ્વાઈન ફ્લૂ બોર્ડની મુલાકાત સાથે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠકો યોજી આ અંગે તમામ જાણકારી મેળવી હતી.
રાજ્યમાં સ્વાઈન ફ્લૂ દિવસેને દિવસે વકરી રહ્યો છે અત્યાર સુધી સ્વાઈન ફ્લૂનો રોગ રર૦ જેટલા લોકોને ભરખી ગયો છે છેલ્લા ચોવીસ કલાકમાં સ્વાઈન ફ્લૂના શિકાર એવા ૧ર દર્દીઓના મોત થયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધી ર૦૯પ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે એક ઉચ્ચસ્તરીય બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક ટીમ સાથે ચાર મહાનગરો સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ સ્વાઈન ફ્લૂના દર્દીઓની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી એક ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના દર્દીઓની મુલાકાત માટે આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના વોર્ડમાં આવેલ દર્દીઓની મુલાકાત અને સ્વાઈન ફ્લૂ સામે હોસ્પિટલની વ્યવસ્થા તેમજ આરોગ્ય વિભાગની તૈયારીઓ અને દવાના સ્ટોકનું નીરિક્ષણ કર્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મીડિયાને સંબોધન કર્યું હતું. વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં સ્વાઈન ફ્લૂ વકરી રહ્યો છે. ગતરોજ એક મહત્વની મીટિંગ મળી હતી. સ્વાઈન ફ્લૂના ગુજરાતમાં ર૦૦૦ જેટલા પોઝિટિવ કેસ અને ર૧૦ લોકોના સ્વાઈન ફ્લૂથી મોત થયા હોવાનો આંકડાકીય માહિતી મેળવી હતી. આજે સવારે દસ વાગે મુખ્યમંત્રીની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળ સિવિલ હોસ્પિટલમાં આવી જરૂરી પ્રીકોશન માસ્ક, ગ્લોઝ, એપ્રોન પહેરીને સ્વાઈન ફ્લૂના વોર્ડની મુલાકાત લીધી હતી. સ્વાઈન ફ્લૂના દર્દીઓને મળીને મુશ્કેલી જાણી હતી. હોસ્પિટલમાં દવાનો જથ્થો, વેન્ટીલેન્ટર મશીન, ઓકિસજન સિલિન્ડરનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાની ખાતરી કરી હતી. સુરત નવી સિવિલ હોસ્પિટલ સ્વાઈન ફ્લૂનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજજ છે. સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત બાદ મુખ્યમંત્રીએ વડોદરા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. તેઓ વડોદરા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને મળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને પણ સરકારી હોસ્પિટલમાંથી દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. પ્રજાજનોને સ્વાઈન ફ્લૂ અંગે ખાસ તકેદારી રાખવા અનુરોધ કર્યો હતો તેમજ ‘એની ફલૂ-ટેમી ફ્લૂ’નું સૂત્ર આપતા જણાવ્યું હતુ કે ટેમી ફલૂની દવા સ્વાઈન ફ્લૂ સાથે અન્ય ફલૂમાં પણ અસરકારક નીવડે છે. મુખ્યમંત્રી રૂપાણીએ તબીબોને પણ અપીલ કરી કે, સ્વાઈન ફ્લૂના પ્રવર્તમાન ફેલાવાના સંજોગોમાં તેઓ સામનય ફલૂમાં પણ આવી ટેમી ફલુ ટેબ્લેટ આપે તે આવશ્યક છે. જો વેળાસર ટ્રીટમેન્ટ મળે તો આ રોગથી બચી શકાય છે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યાર બાદ મુખ્યમંત્રીએ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે જણાવ્યું હતું કે અને ઘણા લોકોએ સલાહ આપી કે સ્વાઈન ફ્લૂ વોર્ડની મુલાકાત ન લેવી પરંતુ મારે લોકોની વ્યથા જાણવી હતી. અહીં તેમણે હોસ્પિટલના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. તેમની મુલાકાતના દિવસે જ અમરેલીના એક બાળકનું સ્વાઈન ફ્લૂથી મોત નીપજયું હતું. જયારે જૂનાગઢની ર૪ વર્ષીય યુવતીએ પણ દમ તોડયો હતો. મુખ્યમંત્રીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. તેમણે રાજય સરકાર દ્વારા જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રી નાણાંનો વેડફાટ
કરી રહ્યા છે : કોંગ્રેસ અગ્રણી
સ્વાઈન ફલૂના દર્દીઓની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ બે દિવસ અગાઉ જ વડોદરા ખાતે સ્વતંત્રા પર્વની ઉજવણીમાં ભાગ લીધો હતો આ અંગે કોર્પોરેશનના વિપક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રી વાસ્તવેે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ વડોદરામાં કરોડોનો ધુમાડો કર્યો હતો ત્યારે દર્દીઓની ખબર પણ નહોતી પૂછી. હવે બીજા જ દિવસે ફરીથી સ્વાઈન ફલૂના દર્દીઓની મુલાકાતના બહાને નાણાં વેડફી રહ્યા છે ? નાણાંનો વેડફાડ કરવાને બદલે એટલું ફંડ સ્વાઈન ફલૂના દર્દી માટે વાપરવામાં આવે તો લેખે લાગે તેમ છે.
વડોદરામાં બ્લડ ડોનેટ કરવા આવેલા
કોંગ્રેસી કાર્યકરોની અટકાયત
વડોદરા સ્વાઈન ફલૂની સારવાર લઈ રહેલા સ્વાઈન ફલૂના દર્દીઓને તકલીફ ન પડે તે માટે કોંગ્રેસના ૭૦ કાર્યકરોએ બ્લડ બેંકમાં આવીને બ્લડ ડોનેટ કરવાનું આયોજન કર્યું હતું. શૈલેષ અમિન સહિતના ૧૦ જેટલા કાર્યકરો તો બ્લડ બેંક પર પહોંચીને બ્લડ ડોનેટ પણ કરી રહ્યા હતા. ત્યારે બ્લડ ડોનેશન માટે લકડી પૂલ ખા તે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરો મુખ્યમંત્રીનો વિરોધ કરશે તેવી દહેશતના પગલે પોલીસે અગાઉથી જ કાર્યકરોની અટકાયતના પગલાં ભર્યા હતા. પોલીસ લકડી પુલ ખાતે પહોંચતા નાસભાગ મચી હતી. પોલીસે અંદાજે ૧૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે તેઓ બ્લડ ડોનેશન માટે એકઠા થયા હોવાનું જણાવતા પોલીસ અટકાયત કરેલા કાર્યકરોને વાનમાં લઈ હોસ્પિટલ પહોંચી હતી.