(એજન્સી) તા.૧૬
સ્વિટ્ઝર્લેન્ડની બેંકોમાં જમા કાળાનાણાના મામલે ભારતમાં ઉગ્ર રાજકીય ચર્ચા અને વિવાદ છેડાઇ રહ્યો છે. ખાસ કરીને એ વાત સામે આવી છે કે આ બેંકોમાં ભારતીયોના નિષ્ક્રિય રહેલા કેટલાક ખાતાઓની માહિતી જારી કર્યાના ત્રણ વર્ષ બાદ પણ કોઇ દાવેદાર આગળ આવ્યા નથી. આમ સ્વિસ બેંકોમાં ભારતીય ખાતાઓમાં પડી રહેલા ૩૦૦ કરોડ રૂપિયાના કોઇ દાવેદાર મળતા નથી. સૌપહેલા ૨૦૧૫માં આ પ્રકારના નિષ્ક્રિય ખાતાઓની એક યાદી જારી કરવામાં આવી હતી તેમાં સ્વિટ્ઝર્લેન્ડના નાગરિકો સહિત ભારતના કેટલાક લોકો અને મોટા ભાગના વિદેશી નાગરિકોના ખાતા છે ત્યારબાદ સમયાંતરે આ ખાતાઓની યાદી જારી કરવામાં આવે છે પરંતુ હજુ સુધી આવા ખાતાઓમાં પડેલા કરોડોના નાણાં માટે કોઇએ દાવો કર્યો નથી. નિયમો અનુસાર આ પ્રકારના ખાતાઓની યાદી એટલા માટે જારી કરવામાં આવે છે કે જેથી ખાતાધારકોના કાનૂની વારસદારોને તેના પર દાવો કરવાની તક મળે. વર્ષ ૨૦૧૭માં યાદીમાંથી ૪૦ ખાતાઓ અને બે સેફ ડિપોઝીટ બોક્સની માહિતી ડિલીટ કરી નાખવામાં આવી છે. જો કે હજુ પણ આ યાદીમાં ૩૫૦૦થી વધુ એવા ખાતા છે જે ઓછામાં ઓછા છ ભારતીય નાગરિકો સાથે સંકળાયેલા છે અને તેના કોઇ દાવેદારનો પત્તો નથી. સ્વિસ નેશનલ બેંક દ્વારા તાજેતરમાં જારી કરાયેલ આંકડા અનુસાર સ્વિસ બેંકોમાં ભારતીયોના જમા નાણા ૨૦૧૭માં ૫૦ ટકાથી વધીને ૧.૦૧ અબજ સીએચએ (સ્વિસ ફ્રેંક) અર્થાત અંદાજે રૂા. ૭૦૦૦ કરોડને આંબી ગયું છે. સ્વિટ્ઝર્લેન્ડ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર છ ભારતીય નિષ્ક્રિય ખાતાઓમાં ત્રણ એવા છે જેઓ મૂળ ભારતના છે પરંતુ તેઓ હાલ અન્ય કોઇ દેશમાં રહે છે. ભારતના કુલ નિષ્ક્રિય ખાતાઓની ચોક્કસ જાણકારી નથી પરંતુ આવા ખાતાઓમાં કુલ નાણા ૪.૪ કરોડ સ્વિસ ફ્રેંક એટલેકે રૂા.૩૦૦ કરોડ છે.