સબ્ર, વિશ્વાસ અને મહેનતથી સફળ થનાર અયાઝ સૈયદ ઓર્થોપેડિક સર્જન બનવા અગ્રેસર

મેડિકલ ક્ષેત્રે ઓલ ઈન્ડિયા પ્રવેશ પરીક્ષામાં ‘ર૬’માં રેન્ક સાથે

(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૮

અલ્લાહ પર વિશ્વાસ, અથાગ પરિશ્રમ અને સબ્રનો અદ્‌ભુત સમન્વય થાય તો માણસ ધારી સફળતા મેળવે છે. એવું સાબિત કરી બતાવ્યું છે, સિદ્ધપુર તાલુકાના ગણવાડા ગામના સૈયદ નસીરૂદ્દીનના પુત્ર અયાઝ સૈયદે. નમાઝની પાબંદી અને સફળતા માટે અભ્યાસ સંબંધી ખૂબ મહેનતથી એમ.બી.બી.એસ. કર્યા બાદ અયાઝ સૈયદે તબીબી ક્ષેત્રે સર્જન બનવા માટેની ઓલ ઈન્ડિયા પ્રવેશ પરીક્ષામાં ર૬મો રેન્ક મેળવી સમાજનું ગૌરવ વધાર્યું છે. ‘ડ્ઢદ્ગમ્’માં દર છ મહિને ૪૦ હજારથી વધુ વિદ્યાર્થીઓ ઓલ ઈન્ડિયા કક્ષાએ મેડિકલમાં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ માટે પરીક્ષા આપે છે. જેમાં ર૬મો રેન્ક મેળવવો કોઈ નાની સૂની વાત નથી. અયાઝે આ રેન્ક સાથે દિલ્હીની સેન્ટ સ્ટીફન્સ હોસ્પિટલ સંલગ્ન ઓર્થોપેડીક સર્જરીનો અભ્યાસ શરૂ કરી ઉત્તમ કારકિર્દી ઘડવા તરફ પ્રયાણ કર્યું છે. સફળતા તરફ અગ્રેસર અયાઝની ‘ગુજરાત ટુડે’ સાથે કરેલી વાતચીત અહીં રજૂ કરીએ છીએ.

  • તમે DNBમાં ર૬મો રેન્ક મેળવ્યો છે. આ DNB શું છે ?

– મે MBBSનો અભ્યાસ મહારાષ્ટ્રથી કર્યા બાદ આગળ માસ્ટર ડિગ્રી કરી સર્જન બનવાનો નિર્ણય કર્યો તે માટે ઓલ ઈન્ડિયા લેવલે મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી પરીક્ષા છે DNB એટલે કે ડિપ્લોમાં ઓફ નેશનલ બોર્ડ. જેમાં મારો ર૬મો રેન્ક છે. આ પ્રવેશ પરીક્ષા ઉચ્ચ રેન્ક સાથે પાસ થતાં તમે નેશનલ લેવલે મેડિકલમાં માસ્ટર ડિગ્રીમાં પ્રવેશ મેળવી શકો છો.

  • પરીક્ષા પાસ થવા માટે કેવી તૈયારી કરી હતી ?

– રેન્ક મેળવવા માટે મેં અથાગ પરિશ્રમ કર્યો છે. ગોલ નક્કી કર્યા પછી હું સતત એ દિશામાં કાર્યરત રહ્યો હતો. મેં આ પરીક્ષા બે વાર આપી હતી. જેમાં પ્રથમ મારો ૧૦ હજારમો રેન્ક આવ્યો હતો. જ્યારે બીજી વાર ૧૪૦૦મો રેન્ક આવ્યો હતો. પણ મેં નક્કી કરી લીધું હતું કે હજુ વધુ સારો રેન્ક મેળવીશ અને મેં ત્રીજીવાર ર૬મો રેન્ક મેળવ્યો. મેં ૧૦ કલાકથી વધુ મહેનત કરી છે અને અલ્લાહ પર પૂરો ભરોસો રાખ્યો હતો. તેમજ નમાઝની પાબંદી સાથે હું મહેનત કરતો રહ્યો આ ઉપરાંત મા-બાપ અને દાદા-દાદીની દુઆઓ પણ ફળી છે.

  • આ પરીક્ષા પાસ કરનાર ‘રેન્કર’ મોટાભાગે ‘રેડિયોલોજી’ તરફ જાય છે તમે કેમ ઓર્થોપેડીક પસંદ કર્યું ?

– એના બે કારણ છે. એક તો ખાસ કોઈ મુસ્લિમ ડોક્ટર ઓર્થોપેડીક ક્ષેત્રે નથી અને બીજુ રેડિયોલોજીસ્ટ બની કદાચ દર્દીઓની એટલી સેવા ન કરી શકું જેટલી ઓર્થોપેડીક બનીને કરી શકું એવું મારું માનવું છે. વળી મારું લક્ષ્ય પણ આમાં ભળ્યો છે.

  • સમાજને શું સંદેશો આપવા માગો છો ?

– મુસ્લિમ સમાજ ધીમે-ધીમે જાગૃત થઈ પ્રગતિ કરી રહ્યો છે. જે આનંદની વાત છે પણ હજુ ઘણુંય કરવાનું બાકી છે. ખાસ કરીને યુવાનો હતાશ થયા વગર અલ્લાહ પર ભરોસો રાખી મહેનતથી આગળ વધે તો સફળતા જરૂર મળે છે. આપણી પાસે બધુ જ છે થોડી વધુ મહેનતની જરૂર છે. દુનિયાએ આપણી કદર કરવી જ પડશે.

  • ભવિષ્યનું શું આયોજન છે ?

– એક ઉત્તમ ઓર્થોપેડીક સર્જન બનવું છે. સમાજ અને કોમનું નામ રોશન કરવું છે. મનમાં કોમ માટે કંઈ કરી છુટવાની તમન્ના છે.

  • ‘ગુજરાત ટુડે’ દૈનિક વિશે શું કહેશો.

– આ મુસ્લિમ સમાજ જ નહીં દરેક વર્ગના કચડાયેલા લોકોની અવાજને બુલંદ કરતું સત્ય સમાચાર આપતું અખબાર છે આવા અખબારની દરેક સમાજને જરૂર છે. આ સમાજનું રાહબર છે. અને સાચો રસ્તો દેખાડનાર તેમજ સમાજમાં જાગૃતિ ફેલાવી સમાજને પ્રગતિના પંથે લઈ જનાર અખબાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts