રાજ્યમાં ૪રપ ટી.પી. સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝુંબેશ ચલાવાશે

અમદાવાદ, તા.૧પ
ટાઉન પ્લાનિંગ અંગે મળેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં જ્યાં ટાઉન પ્લાનિંગ ઓફિસર પાસે પ્રગતિમાં હોય તેવી અંદાજે ૪રપ ટી.પી.સ્કીમ ઝડપથી પૂર્ણ કરવા ઝૂંબેશ ચલાવાશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ટાઉન પ્લાનિંગ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેના કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા છે. તેમાં રાજ્યમાં વધુ પ્રમાણમાં ટી.પી.સ્કીમની કાર્યવાહી થઈ રહી છે. તેવા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં ત્વરીત નિર્ણાયકતા માટે વરિષ્ઠ ટાઉન પ્લાનર કક્ષાના અધિકારીની નિયુક્તિ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર દ્વારા આ મામલે લેવાયેલા નિર્ણયોમાં એક સરકાર દ્વારા આ મામલે લેવાયેલા નિર્ણયોમાં એક મહત્વપૂર્ણ નિર્ણય એ પણ છે કે ટી.પી. સ્કીમમાં લાંબા સમય સુધી રજૂઆતોને લીધે વિલંબ થાય છે તે અટકાવવા ટાઉન પ્લાનિંગ એકટની જોગવાઇઓ અનુસાર ૧ માસ સુધીના જ વાંધાઓ ધ્યાને લેવાશે. આ પછી મળેલા વાંધાસૂચનો કે રજૂઆતો હવેથી ધ્યાને લેવાશે નહીં. સીએમએ વિવિધ સત્તાતંત્રોને પણ ત્વરાએ અને ઝડપથી ટી.પી. સ્કીમ ફાઇનલ કરી લેવા ઝૂંબેશરૂપે કાર્યવાહી હાથ ધરવા તાકીદ કરી હતી. ટાઉન પ્લાનીંગ ડિપાર્ટમેન્ટને વધુ મેનપાવરથી સજ્જ કરવા અને વ્યાપક બનાવવા ૭૦ જુનિયર ટાઉન પ્લાનરની નિમણૂક પ્રક્રિયા ત્વરાએ પૂર્ણ કરવા જણાવાયું હતું. સીધી ભરતીથી નિમણૂક પામેલાં ૨૦ જુનિયર ટાઉન પ્લાનરને તાત્કાલિક નિમણૂક આપી દેવા આદેશ કરાયો હતો. જો કે ગુજરાતમાં આજે કેટલાંય શહેરોમાં ટાઉન પ્લાનિંગ મજાક બનીને રહી ગયું છે. અનેક શહેરોમાં જાહેર રસ્તા પર મકાનો બની ગયા છે જેને લીધે શહેરના નકશાઓ બદલાઈ ગયા છે. છતાં તંત્ર દ્વારા અનદેખી કરવામાં આવે છે. જો કે હવે સરકાર દ્વારા સ્કીમને મહત્વ આપવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા ૪૨૫ ટીપી સ્કીમને પૂરી કરવા ઝુંબેશ હાથ ધરવામાં આવનારી છે ત્યારે આશા રાખીએ ગુજરાતમા આવા શહેરો કે જ્યાં ગેરકાયદે દબાણોનો રાફડો ફાટ્યો છે તેને સબક શીખવાડી યોગ્ય કાર્યવાહી કરીને નમૂનારૂપ વહીવટનો પરચો આપવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks