તબીબોને ગ્રામ્યવિસ્તારમાં ૩ વર્ષ ફરજ બજાવવાના પરિપત્ર પર સ્ટે

અમદાવાદ, તા.૧૩
રાજ્યમાં એમબીબીએસ અને પીજી ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર તબીબોને રાજ્યના ગ્રામ્ય અને પછાત વિસ્તારોમાં ત્રણ વર્ષ માટે ફરજિયાત ફરજ બજાવવા ફરમાન કરતાં સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૨૮-૬-૨૦૧૩ના પરિપત્રને ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના આદેશ મારફતે સ્ટે કરી દીધો છે. વધુમાં હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સચિવ અને બરોડા મેડિકલ કોલેજ (એમ.એસ.યુનિવર્સિટી)ના ડીનને કારણદર્શક નોટિસો જારી કરી કેસની વધુ સુનાવણી નવેમ્બર માસમાં મુકર્રર કરી હતી. હાઇકોર્ટે અરજદાર તબીબને આગળના અભ્યાસ માટેનું એનઓસી તાત્કાલિક આપવા પણ હુકમ કર્યો હતો. રાજ્ય સરકારના વિવાદિત જૂન-૨૦૧૩ના પરિપત્રને પડકારતી બરોડા મેડિકલ કોલેજના ડોકટર ડો.મનસ્વી એન.પટેલ દ્વારા કરાયેલી મહત્ત્વની રિટ અરજીમાં એડવોકેટ ભાર્ગવ શ્રીકાંત હસુરકરે રજૂઆત કરતાં જણાવ્યુ હતું કે, અરજદારે પીજી ડિપ્લોમા કોર્સ પૂર્ણ કર્યો છે અને હવે તેમને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામીનેશન, નવી દિલ્હીના આગળના અભ્યાસ માટે એનઓસીની જરૂર હોવા છતાં કોલેજના ડીન તરફથી જરૂરી એનઓસી અપાતી નથી. કારણ કે, સરકારના પરિપત્ર મુજબ, ત્રણ વર્ષ સુધી પછાત વિસ્તારમાં સેવા આપવાનું ફરજિયાત છે. અરજદાર પક્ષ તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, સરકારના આ પરિપત્રની કાયદેસરતાને અગાઉ હાઇકોર્ટમાં પડકારાતાં તે અરજીઓમાં હાઇકોર્ટે આ પરિપત્રની અમલવારી સામે સ્ટે જારી કરેલો છે તેમ છતાં કોલેજ સત્તાવાળાઓ આ પરિપત્રની જોગવાઇ મુજબ, ત્રણ વર્ષ સુધી ગ્રામ્ય અને પછાત વિસ્તારમાં ફરજ બજાવવા અંગે દસ લાખ રૂપિયાના બોન્ડ લેવાઇ રહ્યા છે. જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને અન્યાયી છે. જ્યારે હાઇકોર્ટે ઉપરોકત પરિપત્ર સ્ટે કર્યો હોય તો કોલેજ સત્તાધીશો કેવી રીતે તેની અમલવારી કરાવી શકે ? આ સીધો અદાલતી તિરસ્કાર કહી શકાય. વળી, અરજદાર આગળનો અભ્યાસ કરવા માંગતા હોય તો તે તેમનો બંધારણીય અધિકાર છે. અરજદાર તબીબ તરફથી સરકારના તા.૨૩-૬-૨૦૧૩ના વિવાદીત પરિપત્ર અને તેની અમલવારી સામે સ્ટે જારી કરવા, કોલેજના ડીન તરફથી તાત્કાલિક તેમને આગળના અભ્યાસ માટે એનઓસી જારી કરાય તે સહિતની દાદ માંગવામાં આવી હતી. હાઇકોર્ટે અરજદારપક્ષની આ દાદ ગ્રાહ્ય રાખી સરકારના ઉપરોકત પરિપત્રની અમલવારી સામે સ્ટે કરતો મહત્ત્વનો હુકમ જારી કર્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, અગાઉ હાઇકોર્ટે જયારે પરિપત્ર સ્ટે કર્યો હોય ત્યારે સત્તાવાળાઓ તે હુકમને બંધાયેલા છે અને તેથી અદાલતી તિરસ્કારની કાર્યવાહીને તેઓએ ટાળવી જોઇએ. હાઇકોર્ટે તમામ પક્ષકારોને તા.૧૩-૧૦-૨૦૧૭ સુધીમાં પૂર્ણ કરી દેવા તાકીદ કરી કેસની વધુ સુનાવણી નવેમ્બર માસમાં મુકર્રર કરી હતી.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks