(એજન્સી) લખનૌ, તા.ર
ઉત્તરપ્રદેશના આગ્રામાં સ્થિત યમુના નદીના કિનારે સફેદ પથ્થરોથી નિર્મિત અને અલોકિક સુંદરતા ધરાવતું ‘તાજમહેલ’ માત્ર ભારતમાં જ નહીં પણ આખા વિશ્વમાં પોતાની આગવી ઓળખ બનાવી છે. પ્રેમની આ નિશાની જોવા દુનિયાભરના લોકો આવે છે. આ જ કારણ છે કે તાજમહેલ પ્રેમ અને ભારતની શાનનું એક મહત્ત્વની ઓળખ બની ગયું છે. પણ દુનિયાની સાત અજાયબીમાં સામેલ ભારતની ધરોહર તાજમહેલને ઉત્તરપ્રદેશની યોગી સરકારે પોતાના પર્યટન સ્થળની યાદીમાં બહાર કરી દીધંુ છે. આની પહેલાં પણ યોગી સરકારે ‘તાજમહેલ’ને ભારતની સાંસ્કૃતિક વિરાસત માનવાથી પણ ઈન્કાર કરી દીધો હતો.
ઉત્તરપ્રદેશમાં દર વર્ષે યુપી પર્યટન મંત્રાલયની અધિકારીક બુકલેટ બને છે. આ બુકલેટમાં પ્રદેશના દરેક મોટા પર્યટન સ્થળ વિશે લખવામાં આવે છે અને પર્યટન સ્થળના ફોટાઓ સાથે છાપવામાં આવે છે. જો કે, આ વખતને બુકલેટમાં તાજમહેલને સ્થાન આપવામાં આવ્યું ન હતું. આ વખતની બનેલી બુકલેટમાં ગોરખધામ મંદિરને જગ્યા આપવામાં આવી છે. બીજા પાના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પર્યટન મંત્રી રીતા બહુગુણા જોશીની તસવીર છે. પ્રથમ પાના સાથે છઠ્ઠા અને સાતમા પાના પર પણ ગંગા આરતીને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે બુકલેટમાં આ વખતે અયોધ્યાને સામેલ કરવામાં આવ્યું છે. ઈકો ટુરિઝમથી લઈને મંદિર ટુરિઝમ સુધી આ બુકલેટમાં સ્થાન આપવામાં આવ્યું છે પણ તાજમહેલને આ વખતે લેવામાં આવ્યું નથી.