વીજળી બિલમાં ઉધાડી લૂંટ બંધ કરો નહીં તો ટોરેન્ટની ઓફિસમાં તાળાબંધી કરાશે

અમદાવાદ,તા.૩૦
અમદાવાદ શહેરની ગરીબ અને મધ્યમવર્ગીય પ્રજાને વીજળી બિલના નામે ટોરેન્ટ પાવર દ્વારા કરાતી ઉધાડી લૂંટને બંધ કરવા અને તેના ઉકેલ માટે દલિત મુસ્લિમ એક જ મંચ દ્વારા ટોરેન્ટ પાવરની ઓફિસમાં લેખિતમાં રજૂઆત કરાઈ હતી. જો આ રજૂઆતોનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં ટોરેન્ટ પાવરની ઓફિસમાં તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. દલિત મુસ્લિમ એકતા મંચ ગુજરાત દ્વારા નારણપુરા ટોરેન્ટ પાવરના મેનેજિંગ ડાયરેકટરને લેખિતમાં રજૂઆત કરાઈ હતી કે, ટોરેન્ટ પાવર દ્વારા અમદાવાદ શહેરમાં રહેતા ગરીબો તેમજ મધ્યમ વર્ગીય પરિવારોના વીજળીના બિલના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવે છે. જેમાં અમદાવાદ શહેરમાં રહેતા તમામ માધ્યમ વર્ગીય તેમજ ગરીબ પરિવારોને વીજળીના બિલો દર ર મહિને આપવામાં આવે છે. જેને કારણે બિલમાં વપરાશના યુનિટ વધી જાય છે. અને તેની સીધી આર્થિક અસર સામાન્ય પરિવારો ઉપર પડે છે. ટોરેન્ટ પાવર દ્વારા વીજળીના બિલ ભરવાની તારીખ પછી તરત જ વીજ કનેકશન કાપવામાં આવે છે અને ફરીથી ઈસ્ટોલેશન કરવામાં આવે ત્યારે વીજ કનેકશન ધારક ગ્રાહક પાસેથી જેટલું બિલ ભરવામાં આવ્યું હોય તેટલી જ રકમ એડીશનલ સિકયોરિટી ડીપોઝીટ પેટે વસુલવામાં આવે છે જે ગેરબંધારણીય છે. ટોરેન્ટ પાવર દ્વારા વીજ કનેકશન કાપવા માટે આવતા કર્મચારીઓ વહેલી સવારે ૮ વાગ્યાના સમયમાં આવી જતા હોય છે અને મોડી સાંજે ૬ વાગ્યા પછી પણ કનેકશન કાપવા માટે આવે છે જે કોઈપણ રીતે યોગ્ય નથી.
ઉપરોકત વિષય અનુસંધાને દલિત-મુસ્લિમ એકતા મંચ દ્વારા માગ કરાઈ હતી કે ટોરેન્ટ પાવર દ્વારા સમગ્ર અમદાવાદમાં દર મહીને વીજ બિલ મોકલવામાં આવે, ટોરેન્ટ પાવર દ્વારા રી-કનેકશન કરવામાં આવે ત્યારે એડીશનલ સિકયોરિટી ડીપોઝીટ વસુલવામાં આવે છે. તેને તાત્કાલિક બંધ કરવામાં આવે. ટોેરેન્ટ પાવર દ્વારા વીજકનેકશન કાપવા માટે આવતા કર્મચારીઓ સવારે ૧૦ વાગ્યાથી છ વાગ્યા સુધીના ઓફિસ સમયમાં મોકલવામાં આવે. અમદાવાદ શહેરના ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો વતી આપને રજૂઆત કરીએ છીએ કે જો આપની તરફથી જો અમારી માગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો દલિત-મુસ્લિમ એકતા મંચ અને અમદાવાદ શહેરના મધ્યમ વર્ગીય પરિવારો દ્વારા તારીખ ૧૭-૮-૧૮ના રોજ ટોરેન્ટ પાવર શાહપુરની ઓફિસ ખાતે તાળાબંધી કરવામાં આવશે. તે પછી પણ અમારી માગણીઓ નહીં સંતોષાય તો સમગ્ર અમદાવાદમાં ટોરેન્ટ પાવરની ઓફિસોની તાળાબંધી કરવામાં આવશે તેમજ આંદોલનને જલદ બનાવવામાં આવશે. એમ દલિત મુસ્લિમ એકતા મંચના સ્ટેટ કન્વીનર અબ્દુલ અહદ પઠાણે જણાવ્યું હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks