તળાજાના દિહોર ગામે યુવાનની હત્યામાં આરોપી શિક્ષક ઝડપાયો

ભાવનગર, તા.૯
તળાજા તાલુકાના દિહોર ગામે બે દિવસ પૂર્વે વહેલી સવારના સુમારે દિહોરના બસ સ્ટેન્ડ સામે આવેલ બેંકના એટીએમ સ્ટેન્ડ નજીક જાહેરમાં એક યુવાનની નિર્મમ હત્યા કરેલી લાશ મળી આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. તપાસ કરતા મરણજનાર યુવાન દિહોર ગામમાં જ રહેતા કોળી અનિલ મનુભાઈ બારૈયા (ઉ.વ.૧૯) હોવાનું ખુલ્યું હતું. આ બનાવની પોલીસે તપાસ હાથ ધરતા આ હત્યામાં સંડોવાયેલા દિહોર ગામના જ સુંદરજી વલ્લભભાઈ ધાંધલા કે જેઓ તળાજા નજીકના મામસી ગામની પ્રાથમિક શાળાના શિક્ષક છે. તેમની વાડીમાં ભાગિયા તરીકે કામ કરતા અનિલની હત્યા વાડી માલિક એવમ શિક્ષક સુંદરજીએ જ કરી હોવાની ખૂલવા પામતા પોલીસે આરોપી શિક્ષકનેે ઝડપી લેતા આરોપીએ આ ગુનાની કબૂલાત કરી લીધી હતી. પરંતુ મરણજનારના પરિવારજનોનું એવું માનવું છે કે, આ હત્યા પાછળ અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા છે. જો તેને ઝડપી લેવામાં આવે તો જ મરણજનારની લાશ સ્વીકારવામાં આવશે. આજે બપોર સુધી મૃતક યુવાનની લાશ પરિવારજનોએ સ્વીકારી ન હતી અને ભારે હોબાળો મચી જવા પામ્યો છે. હોસ્પિટલ પાસે લોકોના ટોળા ઉમટી પડ્યા છે અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ દોડી ગયો છે. તળાજા રેફરલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આરોપી શિક્ષકને ગઈકાલે રાત્રે જ ઝડપી લેવામાં આવ્યો હતો. આ હત્યા કેસમાં સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવી ડીવાયએસપીએ મૃતકના પરિવારજનોને હૈયાધારણા આપી છે. ભાવનગરના સાંસદ ડૉ. ભારતીબેન શિયાળ પણ તળાજા પહોંચી ગયા છે અને બપોરના ૩-૪ વાગ્યા સુધી સમજાવટના પ્રયાસો ચાલી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ બનાવ અંગે એવું ચર્ચાઈ રહ્યું છે કે, મામસી ગામના શિક્ષક અને વાડી માલિક સુંદરજી ધાંધલાને મૃતકની બહેન સાથે આડો સંબંધ હોવાનું જાણવા મળતા શિક્ષકે યુવાતીના ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks