માટી ધસી જતા, દિવાલોમાં તિરાડ પડતાં સરસિયા તળાવમાં કામગીરીની માંગ

(સંવાદદાતા દ્વારા)
વડોદરા તા.૨૯
શહેરના યાકુતપુરા અને વારસીયા વિસ્તારની વચ્ચે આવેલ સરસીયા તળાવ એ હિન્દુ-મુસ્લિમ બંને ધર્મનાં લોકો માટે આસ્થા અને શ્રદ્ધાનું સ્થાન છે. આ ઐતિહાસિક તળાવમાં વર્ષોથી બંને કોમના શ્રદ્ધાળુઓ વર્ષ દરમ્યાન અનેક તહેવારોમાં ધાર્મિક વિધિઓ અવારનવાર પૂરી કરતા હોય છે. એમાં મહોર્રમનાં તાજીયા ઉત્સવ પ્રમુખ સ્થાને રહે છે. વર્ષોની પરંપરા અનુસાર આસપાસના વિસ્તારનાં નાના-મોટા ગણપતિની મૂર્તિઓનું વિસર્જન સરસીયા તળાવમાં કરવામાં આવનાર છે. સાથે-સાથે મુસ્લિમોના તહેવાર મહોર્રમમાં તો શહેરના સમગ્ર મુસ્લિમ વિસ્તારોનાં તાજીયાઓનું વિસર્જન આ તળાવમાં જ કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ જો આ પ્રસંગે હજારોની સંખ્યામાં નાના બાળકો-સ્ત્રીઓ અને પુરૂષો મોટી માનવ મેદનીનાં રૂપે તળાવની આસપાસ ભેગા થશે તો બહુ જ મોટી જાનમાલની દુર્ઘટના સર્જાય એવી પૂરે-પૂરી શકયતા છે. કારણ કે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં જ્યા ભેગા થાય છે, ઉભા રહે છે, દર્શન અને ધાર્મિક વિધિઓ પુરી કરે છે એ જમીન-જગ્યા નીચે ધસી ગઇ છે. તળાવની દિવાળોમાં મોટી સંખ્યામાં જ્યાં ત્યાં ભયજનક તિરાડો પડી ગઇ છે, માનવ સેફટી રેલીંગો મોટાભાગની તૂટી ગઇ છે, પેવર બ્લોક ઉખડી ગયા છે ત્યાં ખાડા પડી ગયા છે, સરસીયા તળાવની દિવાલો પર જંગલી ઝાડો ઉગી નિકળ્યા છે. જેની જળો-મૂળીયાના લીધે દિવાળોમાં તિરાડો અને કમજોરી થઇ છે, તળાવમાં ખૂબજ નુકશાન કરનારી ગાંડી વેળ નામનું છોડ ઉગી નીકળી ઝડપથી ફેલાઇ રહ્યાં છે. તળાવની વચ્ચે આવેલી બંગલી જેનો ઉપયોગ બંન્ને કોમના યુવાનો ઉત્સવ દરમ્યાન લાંબો દોરડા બાંધીને કરે છે ત્યાં પણ મોટા પ્રમાણમાં ઝાડી-ઝાંખરા ઉગી નીકળ્યા છે. જ્યાં ઝેરી જાનવરોનો વાસ થઇ શકે છે. જે બાધા અને મન્નત પુરી કરાવતા યુવાનો માટે જાનનાં જોખમ સમાન છે તો ઉપકોત બાબતોને, મુદ્દાઓને ધ્યાનમાં લઇને, શહેરના સરસીયા તળાવની રૂબરૂ મુલાકાત લઇ, ગંભીર પરિસ્થિતિને સમજીને, ધ્યાને લઇને, હિન્દુ-મુસ્લિમ ધર્મનાં શ્રદ્ધાળુઓની મોટી સંખ્યામાં જાનહાનિ ન થાય તથા કોઇ મોટી દુર્ઘટના ના સર્જાય એના ભાગરૂપે આગમચેતી પગલાં રૂપે તાત્કાલિક ગણપતિ વિસર્જન અને મહોર્રમનાં તાજીયા વિસર્જન પહેલા ઉપરોકત બાબતોએ યોગ્ય અને યુદ્ધનાં ધોરણે ઝડપી કામગીરી કરવામાં આવે એવી શહેરનાં હિન્દુ-મુસ્લિમ સમાજ વતી યા હુસેન શહીદ મસ્તાન બાવારહે. આર.ટી.આઇ. વિકાસ મંચના ઉપપ્રમુખ મોન્ટુ મલેક દ્વારા મ્યુ. કમિશ્નરને આવેદનપત્ર સુપ્રત કરી માંગણી કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks