અમદાવાદ, તા.૧
એટ્રોસિટી એકટ બાબતમાં એક સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ટકોર કરી હતી કે સુપ્રીમકોર્ટના તાજેતરના આદેશ બાબતે રાજ્ય સરકારે પોલીસને યોગ્ય તાલીમ આપવી જોઈએ.
જનરલ કેટગરી સિવાયના લોકો પર એટ્રોસીટી એક્ટ લાગુ ન પડે તેવી રજૂઆતને ધ્યાને લઇ હાઇકોર્ટે આ ટીપ્પણી કરી હતી.
કેસની વિગતો મુજબ અરવલ્લી જિલ્લાના નવલભાઇ ઉફે નારસંગભાઇ ડોડીયા સહિત ૩ લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં એટ્રોસીટી એક્ટ તેમજ મારામારી અને અપશબ્દો બોલાવાની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. જે કેસમાં અગોતરા જામીન મેળવવા માટે આરોપીઓએ જમીન અરજી કરી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, એટ્રોસીટી એક્ટ માત્ર જનરલ કેટેગરીના લોકો દ્વારા બોલવામાં આવતા જ્ઞાતિ વિષયક બાબતોમાં લાગુ પડે જ્યારે અન્ય એસ.સી. કે એસટી જ્ઞાતીના વ્યક્તિ દ્વારા આવા શબ્દો બોલતા એટ્રોસીટી એક્ટ લાગે કે નહી. જે બાબતે આરોપી તરફે રજૂઆત બાદ હાઇકોર્ટ સમક્ષ તાજેતરમાં સુપ્રિમકોર્ટે દ્વારા અપાયેલા આદેશનું પણ પોલીસે તપાસમાં પાલન નહી કર્યું હોવાની રજૂઆત કરાઇ હતી. જેમાં ડીવાયએસપી કક્ષાના અધિકારી દ્વારા આ કેસની તપાસ કરી જો યોગ્ય જણાય અને પુરાવા મળે તો જ ફરિયાદ લેવાનું ઠરાવ્યું છે. આ તમામ રજૂઆતો બાદ કોર્ટે અરજી મંજૂર કરતા ઉપરોક્ત ટિપ્પણી કરી હતી.