(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
સુરતના કઠોર-સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીમાં કોમન પ્લોટના મુદ્દે પતિ-પત્નીએ તલવાર વડે રહિશ પર હુમલો કરતા ઇજાગ્રસ્ત થયેલા રહીશને સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કઠોર-સાયણ રોડ પર આવેલી મેપલ વિલા સોસાયટીમાં કોમન પ્લોટના મુદ્દે ઘણા સમયથી બબાલ ચાલતી હતી. જેમાં સોસાયટી બનાવનાર ઓર્ગેનાઈઝર પતિ-પત્ની દ્વારા સોસાયટીના રહિશ પર હુમલો કરવામાં આવ્યો હતો.ખુલ્લી તલવાર સાથે પહોંચેલા પતિ-પત્નીના હુમલાથી મહેશ મુંગલપરા નામનો શખ્સ ઈજાગ્રસ્ત થયો હતો. સમગ્ર ઝઘડા દરમિયાન સ્થાનિક લોકોએ બન્ને પક્ષોને છૂટા પડાવ્યાં હતાં. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા મહેશ મુંગલપરાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં સોસાયટીના રહિશોએ જણાવ્યું હતું કે, બિલ્ડર અને ઓર્ગેનાઈઝર નિલેશ વણપરિયા સોસાયટીનો કોમન પ્લોટ વેચવાની વેતરણમાં હતો. ૨૦૦ બંગલાની સોસાયટીના મેઈન્ટેન્સના ઉઘરાવેલા અઢી અઢી લાખતો હિસાબ પણ આપતો નહોતો. અને હિસાબ માંગવા કે અન્ય પ્રશ્ને ઝઘડા પર ઉતરી જતો હતો. અગાઉ પણ પોતાની પત્નીને આગળ રાખીને નિલેશ હુમલો કરતો હતો. પરંતુ તંત્રમાં તેને અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાથી કંઈ થતું ન હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.