તમામ પાર્ટીઓના નેતાઓ મતદાન કરવા આગળ આવ્યા, ભાજપને કોવિંદની જીતની પાકી આશા

(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૭
રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તમામ પાર્ટીઓના નેતાઓએ મતદાન કર્યું હતું. શાસક ભાજપને રામનાથ કોવિંદની જીતની પૂરી આશા છે. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષના મીરાં કુમાર વચ્ચે સીધી લડાઈ છે. ૭૦ ટકા મતો સાથે કોવિંદની જીત નક્કી મનાઈ રહી છે. સાંસદો માટે સંસદ ભવનમાં અને ધારાસભ્યો માટે પોતપોતાના રાજ્યની વિધાનસભામાં મત માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારના ૧૦થી શરૂ થયેલા મતદાનમાં સૌથી પહેલો વોટ વડાપ્રધાન મોદીએ નાખ્યો હતો. તેમની સાથે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યાં હતા.વિપક્ષોએ પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરાં કુમારને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવ્યાં છે. રાષ્ટ્રપતિની ચૂંટણીને વિચારધારા વિરૂદ્ધની લડાઈ ગણવામાં આવી રહી છે. સંસદ ભવનમાં સૌથી પહેલા મતદાન કરનાર મોદીએ એડવાન્સમાં રામનાથ કોવિંદને અભિનંદન આપતાં કહ્યું કે આ વખતની રાષ્ટ્રપતિની ચૂંટણી ઐતિહાસિક છે. કદાચ પહેલી વાર કોઈ પાર્ટીએ પ્રતિસ્પર્ધી ઉમેદવાર પર કોઈ અણછાજતી કે ગેરવ્યવહારૂ ટિપ્પણી કરી નથી. ત્રિપુરા ટીએમસી અધ્યક્ષ આશિષ સહાએ કહ્યું કે અમારા નેતાઓ દિલ્હીમાં બેસીને સીપીએમની સાથે મળીને મીરાં કુમારને વોટ આપવા તૈયાર છે. જેઓ સીપીએમને ટેકો આપશે અમે તેમને વોટ નહીં આપીએ. અમે એનડીએ ઉમેદવારને વોટ આપીશું. અમારા છ ધારાસભ્યો કોવિંદને વોટ આપશે. તો સમાજવાદી પાર્ટીમાં પણ મુલાયમસિંહ યાદવ અને શિવપાલે રામનાથ કોવિંદની તરફેણમાં મતદાન કર્યું હતું. એસપી નેતા શિવપાલે કહ્યું કે તેઓ અને મુલાયમ કોવિંદને વોટ આપશે.
શિવપાલે આગળ કહ્યું કે મીરાં કુમારને ટેકો આપતાં પહેલા અમારો મત જાણવામાં આવ્યો નહોતો. કોવિંદ એક ધર્મનિરપેક્ષ વ્યક્તિ છે. હું અને મુલાયમ તેમને ટેકો આપીશું. મમતા બેનરજીની આગેવાનીવાળી ટીએમસી વિપક્ષના સંયુક્ત ઉમેદવાર મીરાં કુમારના સમર્થનમાં છે. એનડીએ ઉમેદવાર રામનાથ કોવિંદ અને વિપક્ષના મીરાં કુમાર વચ્ચે સીધી લડાઈ છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks