અમદાવાદ,તા.ર
ઈગલટન રિસોર્ટના માલિક અને કોંગ્રેસના મોટા ગજાના પ્રધાન શિવકુમારને ત્યાં આવકવેરા ખાતાએ પાડેલા દરોડા અંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ મોઢવાડિયાએ જણાવેલ કે આજે આવકવેરા ખાતુ સ્થાનિક પોલીસને બદલે સ્ટેનગન ધારી સીઆરપી સાથે સવારે સાડાસાત વાગ્યે ઈગલટનમાં ત્રાટકી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ભારતની રાજનીતિમાં નવો અધ્યાય શરૂ થયો છે. ગમે તે પક્ષમાંથી તમે ચૂંટાયા હોવ પણ સત્તાના જોરે અને પૈસાની તાકાતથી પરિણામ બદલી શકીએ છીએ તેવો સંદેશો ભાજપ દ્વારા દરોડાથી અપાઈ રહ્યો છે.
તેમણે કહ્યું કે અમારા કોઈ ધારાસભ્ય બંધક નથી, બધા કહેતા હતા તે વાત ખોટી ઠરી છે. ત્યારે હવે તેમને ડરાવવા સ્ટેનગનધારી સીઆરપીએફ જવાનો કોંગી ધારાસભ્યો જ્યાં ઉતર્યા છે તે લોબીમાં આંટા મારે તેનો શો અર્થ સમજવો ? તેમણે કહ્યું કોઈની ધરપકડ થઈ નથી. જે આગેવાનો હોટલમાં છે તેમના બે રૂમ સર્ચ કરેલા પણ કંઈ મળ્યું નથી. અમને જેમણે મદદ કરી છે, મળવા આવ્યા છીએ તે લોકોને જ નિશાન બનાવી દરોડા પડાયા છે. ગુજરાત કઈ રીતે આવવું તે હવે નક્કી કરીશું. ભાજપ નેતાઓ કોઈપણ હદે જઈ શકે છે. તેથી આ માટે અમે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ.