International

“તમે હિંદુ નથી લાગતા’ : અમેરિકાના એક ગરબા કાર્યક્રમમાં પ્રવેશ ન મળ્યો હોવાનો ગુજરાતી વૈજ્ઞાનિકનો આક્ષેપ

(એજન્સી) વૉશિંગ્ટન,તા.૧૫
યુએસના એટલાન્ટામાં એક ભારતીય મૂળના વૈજ્ઞાનિકને ગરબા આયોજકો તરફથી ખૂબ જ કડવો અનુભવ થયો હતો. યુએસમાં ખગોળશાસ્ત્રી તરીકે કામ કરતા મૂળ વડોદરાના ડો.કરણ જાનીને ફક્ત એટલા માટે ગરબા કાર્યક્રમમાં પ્રવેશવા દેવાયા ન હતા કે તેમની અટક પરથી તે હિંદુ લાગતા ન હતા. જાનીએ ટ્‌વીટર પર તેમની સાથે થયેલા ભેદભાવ વિશે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડો. જાનીના જણાવ્યા મુજબ તેઓ યુએસમાં આ સ્થળે છેલ્લા છ વર્ષથી નિયમિત રીતે ગરબા રમવા આવે છે. આ અગાઉ તેમને ક્યારેય કોઈ કડવો અનુભવ નથી થયો. કરણે જણાવ્યું કે આયોજકો સાથે તેમણે ગુજરાતીમાં વાત કરવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ કોઈ માનવા તૈયાર જ નહતું. કરણે એક વીડિયો ટ્‌વીટ કર્યો છે જેમાં જણાવ્યું કે, ‘એટલાન્ટા સ્થિત શક્તિ મંદિરમાં ગરબા રમતોત્સવના આયોજકોએ મને તેમજ મારા મિત્રોને ફક્ત એટલા માટે અંદર પ્રવેશવા ના દીધા કારણ કે અમારા નામ હિન્દુ જેવા નથી લાગતા. ડો. જાનીએ આક્ષેપ કરતા લખ્યું કે ‘મારી કોંકણી મિત્ર પ્રથમ વખત ગરબા રમવા આવી હતી. તેમને પ્રવેશવાની લાઈનમાંથી બહાર કરાઈ અને કહેવાયું કે અમે તમારા આયોજનોમાં નથી આવતા, એટલા માટે તમે અમારી ઈવેન્ટમાં ના આવી શકો. મારી મિત્રએ જ્યારે કહ્યું કે તેની સરનેમ મુરદેશ્વર છે, હું કન્નડ-મરાઠી છું. તો આયોજકે કહ્યું, કન્નડ શું હોય, તમે ઈસ્માઈલી છો.’ તેમણે ટ્‌વીટર પર આ પણ લખ્યું હતું કે, આપણા ઓળખપત્રમાં રાષ્ટ્રચિહ્‌ન હોય છે, જેના પર સત્યમેવ જયતે અંકિત થયેલું છે. તેના પર કોઈ ધર્મ કે જ્ઞાતિનો ઉલ્લેખ નથી. જાનીએ તેમના ટ્‌વીટમાં વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન કાર્યાલયને પણ ટેગ કર્યા હતા.
જો કે ડો. જાનીએ જણાવ્યું કે મંદિર મેનેજમેન્ટનો તેમના પર ફોન આવ્યો હતો અને આ સમગ્ર ઘટના પર ખેદ વ્યક્ત કર્યો હતો. મેનેજમેન્ટે જણાવ્યું કે તેઓ આ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ નથી રાખતા. આ સ્વયંસેવકોની ભૂલ હતી.